સુરતમાં કાપડના કારખાનામાં લાગી ભીષણ આગ, કરોડો રૂપિયાનું નુકસાન
સુરત: શહેરના સોશિયો સર્કલ નજીક આવેલા એક કારખાનામાં સવારે અચાનક આગ લાગી હતી. આગને લઇને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે, આગને ફાયર વિભાગ દ્વારા બે કલાકની જહેમત બાદ કાબૂમાં કરી લેવામાં આવી હતી. આગને કારણે કારખાનાના પહેલા માળેથી ત્રણ જેટલા કારીગરો કૂદી ગયા હતા. ત્રણેયને પગમાં ઈજા પહોંચી છે. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. આગ લાગી હતી તે જગ્યાસાંકડી હોવાથી ફાયર વિભાગને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સુરતના સોશિયો સર્કલ નજીક આવેલા લાલવાડી કમ્પાઉન્ડમાં કાપડ અને ઝરીના ત્રણ માળના કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર વહેલી સવારે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. કાપડ સાથે ઝરી પ્રેટ્રોલિય પેદાશમાંથી બનતું હોવાને લઇને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું. આગને લઇને નજીકમાં આવેલા બીજા કારખાનામાં આગ ફેલાવાની ભીતિ ઉભી થઈ હતી.
જોકે આગની જાણકરી સ્થનિક લોકોએ ફાયર વિભાગને આપતા ફાયર વિભાગના જવાનો ફાયર ફાઈટર્સ સાથે બનાવ વાળી જગ્યા પર દોડી આવ્યો હતો. આગ લાગી ત્યારે કારખાનામાં ૯ જેટલા કારીગરો કામ કરી રહ્યા હતા. જેમાંથી ત્રણ કારીગરો બહાર નીકળી ગયા હતા, જયારે પહેલા માળે કામ કરતા ૩ કારીગરો ફસાઈ ગયા હતા.
આ તમામ લોકો પોતાનો જીવ બચવવા માટે કારખાનાના પહેલા માળેથી કૂદી ગયા હતા. કૂદવાને કારણે રાકેશ તુકારામ નાયક (ઉ.વ.૨૫), બાબુલાલ નેમારામ નાઈ, આખારામ ખેતારામ રાણા (ઉ.વ.૨૩)ના પગમાં ફ્રેક્ચર થયા હતા. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને પહેલા આગને પ્રસરતા અટકાવી હતી. ત્યારબાદ ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ કાબૂમાં આવે તે પહેલા ૫-૬ મશીનો અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવતા બે કલાક જેટલો સમય લાગી ગયો હતો. આ દરમિયાન કરોડોનો માલ અને મશીનરી બળી ગયા હતા.