ગાના ખાતે આણંદ કલેકટર આર.જી. ગોહિલની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ
આણંદઃ રાજ્ય સરકારના નવિન અભિગમ હેઠળ આણંદ તાલુકાના ગાના ગામે પટેલવાડીમાં આણંદ જિલ્લા કલેકટરશ્રી આર.જી.ગોહિલની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ હતી.
આ રાત્રી સભામાં કલેકટરશ્રી આર.જી. ગોહિલે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અમલી પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી નાગરિકોને આપી હતી. જેમાં આરોગ્ય, શિક્ષણ, કિશાન ક્રેડીટ કાર્ડ, પ્રધાનમંત્રી કિશાન યોજના, પશુપાલન, ગંગા સ્વરૂપા સહાય યોજના, દિવ્યાગ સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો જેવી અનેક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા.
કલેકટરશ્રીના હસ્તે રાત્રી સભામાં ગંગા સ્વરૂપા સહાય યોજના હેઠળ ૪૮ જેટલી બહેનોને સહાયના મંજુરીપત્રો એનાયત કરાયા હતા. કલેકટરશ્રીએ ગ્રામ્ય લોકો તરફથી મળેલ પ્રશ્નો સાંભળીને તે પ્રશ્નોનો સ્થળ ઉપર ઉકેલ લાવવામાં આવ્યો હતો જ્યારે અન્ય પ્રશ્નોનો અધિકારીશ્રીઓને હકારાત્મક ઉકેલ લાવવા સુચનાઓ આપી હતી.
આ રાત્રી સભામાં પ્રાંતઅધિકારી શ્રી જે.સી.દલાલ, મામલતદાર શ્રી આર.બી.પરમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી અમિત પટેલ, સરપંચ શ્રી હર્ષાબેન પટેલ, તલાટી શ્રી દિપિકાબેન તથા ગાના ગામના નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.