વિનામૂલ્યે આંખને ઓજસ આપનાર આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલ ગરીબ મધ્યમ પરિવારના દર્દીઓ માટે આશાનું કિરણ
વલસાડની આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલનો ૧૦૦માં વર્ષમાં પ્રવેશ
(પ્રતિનિધિ) વલસાડ, પારસી જર્થોસ્ત સદગૃહસ્થોએ પ્રગટાવેલા પવિત્ર આતશનો સેવા યજ્ઞ ગરીબો અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે આંખને ઓજસ આપનાર અને ગરીબ-મધ્યમ પરિવારો માટે આશાનું કિરણ બનેલી અને વલસાડ શહેરને સમગ્ર રાષ્ટ્રમાં નામના અપાવનાર આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલ તા.૧લી જુલાઈ, ર૦૧૯ના રોજ ૧૦૦ માં વર્ષમાં પ્રવેશી રહી છે.
વલસાડના નગરશ્રેષ્ઠી દાદાભાઈ રતનજી ચાવસારેવાએ મુંબઈના બ્લાઈન્ડ રિલીફ એસોસિએશનની સહભાગીતામાં પ્રતિ માસના ફકત રૂ.રપ૦ ના બજેટ સાથે આંખના ધર્માદાના દવાખાનાની સ્થાપના આજથી ૧૦૦ વર્ષ પહેલાં કરી હતી. સમયના સથવારે ૯૯ વર્ષ પૂર્ણ કરનાર આ ધર્માદા હોસ્પિટલમાં આજે આંખની ફ્રી સારવાર અર્થે સમગ્ર ગુજરાત રાજય તથા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દીવ, દમણ વગેરે રાજયોમાંથી દર વર્ષે હજારો દર્દીઓ આવે છે.
આ હોસ્પિટલમાં રોજના પ૦ થી ૬૦ મોતિયાના ઓપરેશન, ૧ર થી ૧પ દર્દીઓની લેઝર ટ્રીટમેન્ટ તથા ૩૦૦થી વધુ દર્દીઓને ઓપીડીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. આ તબીબી સેવા માટે આઠ જેટલા ફુલ ટાઈમ આંખના ડોકટરો, આંખના પડદા, ઝામર, નાના બાળકો, લેઝર વગેરેના ૧ર જેટલા સ્પેશ્યાલીસ્ટ વિઝીટિંગ ડોકટરો, ૬ ઓપરેશન થીએટર, જુદી-જુદી સારવાર માટેના અતિ આધુનિક લેઝર મશીનો, આંખના પડદાનો અલાયદો વિભાગ, કોર્નીયા ટ્રાન્સપ્લાન્ટ વિભાગથી આ હોસ્પિટલ સજજ છે.
૧૦૦ વર્ષ પૂર્ણ કરનાર આ હોસ્પિટલમાં સેવાના ભેખધારી એવા ડો. પરાગજી દેસાઈ, દાદાભાઈ રતનજી, ડો. દારાશા અસાના, ડો. મોંઘાભાઈ, નીરૂપા રોય, ડો. અમૂલ દેસાઈ અને ડો. રમેશભાઈનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. સેવાના આ મહાયજ્ઞમાં દેશ વિદેશના દાતાઓ સતત દાનની સરવાણી વહાવી રહયા છે. સાથે દાખલ થતા દર્દીઓ માટે ભીડ ભંજન મહાદેવ ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક ટીફીન સેવા, પારલે ટ્રસ્ટ તરફથી બિસ્કીટ, ઓમ ઈલેકટ્રીકલ તરફથી સ્વયં સેવકોની મૂક સેવાથી લોકસેવાનું ભગીરથ કાર્ય ઈશ્વરીય શક્તિથી અવિરત ચાલી રહયું છે.
હાલ આ સેવાને ૧૯૭૮થી ભરતભાઈ દેસાઈ ઉપરાંત પેસી ફુલવાડીવાળા, નોસીર ઝરોલીવાલા, ડો. કુરેશી, યજ્ઞેશ દેસાઈ, રાગ્નેશ દેસાઈ, કેતન શાહ, સિવિલ સર્જન અને જિલ્લા આરોગ્ય અધિકારીની સમગ્ર ટીમ વહીવટ સંભાળી રહી છે.*