મેટ્રો દ્વારા તૂટેલા રોડ ઝડપથી રીપેર કરવામાં આવશે
મ્યુનિ. હોદ્દેદારો એ મેટ્રો સ્ટેશનના કામ ઝડપથી પૂર્ણ કરવા રજુઆત કરી
અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષથી મેટ્રોનું કામ ચાલી રહયુ છે મેટ્રો ના અધિકારીઓની બેદરકારીના પરીણામે પાણીની પાઈપ લાઈનો તથા રોડ- રસ્તા તૂટી જવાની સમસ્યા જાવા મળે છે.
મ્યુનિ. વહીવટીતંત્ર દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવતા હતા પરંતુ મેગા કંપની દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી. તેથી મ્યુનિ. શાસક પક્ષના હોદ્દેદારોએ રોડ- રસ્તા અંગે મેટ્રોલના અધિકારીઓ સાથે ખાસ બેઠક કરી તૂટેલા રોડ- રસ્તા તાકીદે રીપેર કરવા સુચન કર્યા હતા. મેટ્રો ના અધિકારીઓએ પણ રસ્તા (સ્ટ્રેચ)ની મરામત ઝડપથી પુર્ણ કરવા બાંહેધરી આપી હતી.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલ ભટ્ટ તથા પક્ષ નેતા અમિતભાઈ શાહના જણાવ્યા મુજબ મેટ્રોના અધિકારીઓએ આપેલી બાંહેધરી મુજબ વસ્ત્રાલથી એકરલ પાર્ક સુધી ૬ કિલોમીટરનો સ્ટ્રેચ તૈયાર કરવામાં આવશે. તદ્પરાંત એ.ઈ.સી. સર્કલથી ૧.૭ કિલોમીટર, રાણીપ રેફયુઝ સ્ટેશનથી અખબારનગરના ૧.પ કિલોમીટર, નારણપુરા ક્રોસીંગથી ઈન્કમટેક્ષ અંડરપાસ સમાંતર ૧.પ કી.મી.નો રોડ, સ્ટેડીયમ પાંચ રસ્તાથી હેવમોર સુધી તથા અમન-આકાશ પાર્ટી પ્લોટથી શારદા મંદીર સુધીના સ્ટ્રેચ પણ તૈયાર કરવામાં આવશે.
સ્વ. ચીમનભાઈ પટેલ બ્રીજથી જે.પી. ચાલી સુધી એક કીલોમીટરના રસ્તાને રી- સરફેશ કરવા તથા પુર્ણ પહોળાઈ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી છે. વાસણા યોગેશ્વરનગર તથા અન્ય જગ્યાએ જયાં મેટ્રો સ્ટેશનની કામગીરી ચાલી રહી છે તે વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે. તેથી સ્ટેશનની કામગીરી ઝડપથી પુર્ણ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. મેટ્રો તથા મનપા ના અધિકારીઓ દ્વારા ગુપ્તાનગર, ગ્યાસપુર અને એ.પી.એમ.સી.ના વિસ્તારોમાં સંયુક્ત રીતે રાઉન્ડ પણ લેવામાં આવશે મેટ્રો સ્ટેશનની નીચેના રોડ બનાવવાના બાકી કામો પણ તાકીદે હાથ પર લેવામાં આવશે.
બે ટ્રાન્સફોર્મર શીફટ કરવા માટે દરખાસ્ત મળેલી છે. જેને સત્યમનગર વો. ડીસ્ટ્રી સ્ટેશનના ખુણામાં શીફટ કરવામાં આવશે. મેટ્રો સાથેની સંયુક્ત મીટીંગમાં મેયર બીજલબેન પટેલ તથા દંડક રાજુભાઈ ઠાકોર પણ હાજર રહયા હતા તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.