રામોલમાં યુવકની હત્યાઃ ત્રણની હાલત ગંભીર
અગાઉની અદાવતમાં વાતચીત કરવા માટે યુવક અને તેના મિત્રોને બોલાવી પાંચ શખ્સો શસ્ત્રો સાથે તૂટી પડ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને હુમલાની ઘટનાઓ વધવા લાગતા પોલીસતંત્ર એલર્ટ થયેલું છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરમાં વધુ એક હત્યાની ઘટના બનતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં પાંચ જેટલા શખ્સોએ સમાધાન કરવાના બહાને ચાર યુવકોને બોલાવી તેના ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું જયારે ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ ઘટના બાદ પાંચેય આરોપીઓ નાસી છુટયા હતાં. જાકે પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ સામા પક્ષે પણ મૃતકના મિત્રો ઉપર ક્રોસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં હત્યાની એક પછી એક ઘટનાઓથી પોલીસ કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે આરોપીઓને પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે નાની નાની બાબતોમાં હુમલા કરી હત્યા કરવા લાગ્યા છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં આવી ઘટનાઓ વધુ પ્રમાણમાં બનતી હોય છે. શહેરના રામોલ વિસ્તારમાં આવેલા રામરાજયનગરમાં રહેતા દિપક ઉર્ફે દિકુ નામનો યુવકને આજ વિસ્તારમાં રહેતા બે શખ્સો સાથે છેલ્લા બે દિવસથી બોલાચાલી થતી હતી. નરેન્દ્ર ઉર્ફે નીલુ રાજપુત, લખન રાજપુત સહિતના શખ્સોએ દિપકને ધાક ધમકી આપી હતી અને તેઓએ આરોપ મુકયો હતો કે તેઓની બહેન વિશે ખોટી અફવાઓ ફેલાવે છે જેના પરિણામે બોલાચાલી થતી હતી આ દરમિયાનમાં રૂપસિંગ ઉર્ફે લાલો રણજીતસિંગ રાજપુતે દિપકને આ અંગે ખુલાસો કરવા જણાવ્યું હતું.
છેલ્લા બે દિવસથી ચાલતી તકરારના પગલે દિપકે આ અંગેની જાણ તેના મિત્ર શ્રીશ્યામવીર રામપ્રકાશ વર્માને કરી હતી ગઈકાલે રાત્રે દિપકે શ્યામવીરને ફોન કરીને જાણ કર્યાં બાદ શ્યામવીર, દિપક, સુરેશ ચૌધરી તથા અન્ય એક યુવક રાત્રે ૧ર.૦૦ વાગ્યાની આસપાસ આ બાબતે સ્પષ્ટતા કરવા રામોલમાં આવેલા ઉદયનગરમાં મકાન નં.ર૪માં રહેતા રૂપસિંગના ઘરે ગયા હતાં. રૂપસિંગના ઘરે અગાઉથી જ નરેન્દ્ર ઉર્ફે નીલુ રાજપુત, લખન રાજપુત, રણજીતસિંહ રાજપુત અને જશવંતસિહ રાજપુત હાજર હતા.
દિપક અને તેના ત્રણ મિત્રો રૂપસિંગના ઘરે પહોંચ્યા હતા અને આ બાબતે વાતચીત શરૂ કરી હતી આ દરમિયાનમાં રૂપસિંગ તથા તેના ચારેય પરિવારજનો ઉશ્કેરાટમાં આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી આ દરમિયાનમાં નરેન્દ્ર રાજપુત નામનો શખ્સ અંદરથી તલવાર લઈ દોડી આવ્યો હતો અને તેણે દિપકના શરીર પર સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા હતા આ દરમિયાનમાં દીપકના ત્રણેય મિત્રો તેને બચાવવા માટે વચ્ચે પડયા હતાં. જાકે પાંચેય આરોપીઓએ આ દરમિયાનમાં હાથમાં હથિયારો સાથે ધસી આવ્યા હતા અને દિપક ઉપરાંત તેના ત્રણેય મિત્રો પર તૂટી પડયા હતાં જેના પગલે દિપક શ્રી શ્યામવિહાર, સુરેશ ચૌધરી તથા અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાયા હતાં.
તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા ચારેય યુવકો લોહી લુહાણ હાલતમાં ઢળી પડયા હતા અને ભારે બુમાબુમ થઈ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ટોળુ એકત્ર થઈ જતાં ભારે હોબાળો મચી ગયો હતો અને સ્થળ પરનું દ્રશ્ય જાતા સ્થાનિક નાગરિકો પણ ગભરાઈ ગયા હતા આ દરમિયાનમાં રામોલ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ચારેય ઈજાગ્રસ્ત યુવકોને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ શરૂ કરી હતી જાકે ગંભીર રીતે ઘવાયેલા દિપકનું સ્થળ પર જ મોત નીપજયું હતું.
પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને એલ.જી.હોસ્પિટલમાં ખસેડયા હતા જયારે દિપકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો નાની એવી બાબતમાં આરોપીઓએ તીક્ષ્ણ હથિયારોથી કરેલા હુમલામાં દિપકનું મોત નીપજયું હતું જયારે ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી છે બીજીબાજુ આ હુમલાની ઘટનામાં સામા પક્ષે પણ ઈજાગ્રસ્ત યુવકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાકે હાલમાં પોલીસે નરેન્દ્ર ઉર્ફે નીલુ પોપટસિંહ રાજપુત, ર. લખન પોપટસિંહ રાજપુત, ૩. રૂપસિંગ ઉર્ફે લાલો રણજીતસિંગ રાજપુત, ૪. રણજીતસિંગ રાજપુત અને પ. જશવંતસીંહ રાજપુત સામે હત્યાની ફરિયાદ નોંધી છે.
રામોલમાં મોડી રાત્રે બનેલી આ ઘટનાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા આ ઘટનાના પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળતો હતો અને આ ઘટનાના પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. બીજીબાજુ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.