ભારતના પ્રથમ બીનકોંગ્રેસી વડાપ્રધાનની સંઘર્ષયાત્રા

ભાગ – ૩ (ખાસ લેખ – વૈશાલી જે. પરમાર)
ઇ.સ ૧૯૫૨માં લોકશાહી ભારતમાં પ્રથમ ચુંટણી જંગ આવ્યો. મોરારજીભાઇ પોતાની જન્મભૂમિ વલસાડમાંથી ઉભા રહ્યા. વધુ પડતા આત્મવિશ્વાસને પરિણામે ગણતરીમાં ચૂકી ગયા અન પરાજિત થયા. અમદાવાદમાં ફરી ચંૂટણી લડયા અને વિજયી બન્યા. તેઓની વહીવટી શકિત અને કાબેલિયતને લીધે મહેસુલ, ગૃહ, કે ઉદ્યોગ ખાતું હોય કે ગુજરાત વિદ્યાપીઠનું સંચાલન એમનો અદભુત રીતે કાયાપલટ કરી ચેતનવંતુ બનાવ્યું. રાષ્ટ્રવાદી નેતા તરીકે તેમની સૌરભ દેશવિદેશમાં ફેલાતી ગઇ.
ઇ.સ.૧૯૬૭માં રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓ આવી. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ માટે અનુકુળ વાતાવરણ હતું. તેનો જશ મોરારજીભાઇને જાય છે. દક્ષિણ ગુજરાતના મતદારોએ કોંગ્રેસને મત આપવાનું હિતાવહ માન્યું કારણ તેઓ માનતા હતા કે દેશનું ભાવિ મોરારજીભાઇના હાથમાં રહેશે તો તે નિヘતિ ઉજ્જવળ બનશે. દક્ષિણ ગુજરાતમાં જવલંત સફળતા મળી. આ સફળતા એ જ ગુજરાતમાં કોંગ્રેસ સરકારને સત્તાસ્થાને બેસાડી અને દેશમાં પણ કોંગ્રેસ માટે ઘણી સારી છાપ પડી. મોરારજીભાઇ જબરી બહુમતીથી ચુંટાઇ આવ્યા. વડાપ્રધાન પદે તેઓ આવે એ દેશ હિતની રીતે અત્યંત જરુરી છે એવી માન્યતા કોંગ્રસ પક્ષમાં તથા દેશના મોટા વર્ગમાં હતી.
વિદેશ સાથેના સંબંધો દ્રઢ કરવામાં તથા દેશની આંતરિક એકતા તથા નાણાંકીય સ્થિતિ સુધારવામાં લોખંડી મનોબળવાળું નેતૃત્વ અનિવાર્ય હતું. તેઓએ વડાપ્રધાનના સ્થાન માટે ઊભા રહેવાની સ્પષ્ટ જાહેરાત કરી. ઇન્દિરાબહેન ગાંધીએ પણ વડાપ્રધાનના સ્થાન માટે ઊભા રહેવાની ઇચ્છા પ્રદર્શિત કરી. મોરારજીભાઇ મક્કમ હતા, ઇન્દિરાબહેન પણ મક્કમ હતા. કોંગ્રસના આ બે વરિષ્ઠ નેતા ઓ વચ્ચે સ્પર્ધા કોંગ્રેસના આંતરિક સંગઠનને કમજોર બનાવે એમ હતું. મોરારજીભાઇ કોંગ્રેસના એક અનન્ય ભકત અને રાષ્ટ્રહિત ચિંતક તરીકે સૌની ઇચ્છાને માન આપ્યું. નાણામંત્રી તરીકેનો હોદ્દો સ્વીકાર્યો. અને બેન્કોનું સામાજિક નિયંત્રણ કરવાનું મહત્ત્વનું પગલું ભર્યું.
મોરારજીભાઇ ઇ.સ.૧૯૫૯થી ૧૯૬૪ સુધી કેન્દ્રમાં નાણાંપ્રધાન રહયા. એમણે સંપૂર્ણ નાણાંકીય વર્ષના આઠ અને બે બજેટ વચગાળાના રજૂ કર્યા હતા. આજ સુધી કેન્દ્રના નાણાંપ્રધાન તરીકે સૌથી વધુ ૧૦ અંદાજપત્રો રજૂ કર્યા છે. એમણે બજેટ રજૂ કરતી વખતે નાની બચત યોજનાઓને વિશેષ મહત્વ આપ્યું હતું. પ્રોવિડન્ટ ફંડ અને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની યોજનાઓ છે. પણ ઓછી આવકવાળા લોકો માટે એમણે પોસ્ટ ઓફિસમાં બચત યોજના દાખો કરી. આમ મોરારજીભાઇએ વિવિધ સમાજવાદી યોજનાઓ દાખલ કરી હતી. જેનો ફાયદો આજે પણ જન-જન લઇ રહયા છે.
દુનિયામાં ભાગ્યનું ચક્ર ચાલ્યા જ કરે છે. કોંગ્રેસના આંતરિક વમળની અસર મોરારજીભાઇની કારકિર્દી ઉપર પણ થઇ. કોંગેસમાં ભાગલા પડયા. કોંગ્રેસ શાસક અને કોંગ્રેસ સંસ્થા નામના બે વિભાગમાં-છાવણી વહેચાંઇ ગઇ અને બંન્ને જૂથો વચ્ચે જબી ખેંચાખેંચીનો આરંભ થયો. ૧૬મી જુલાઇ ૧૯૬૯ના રોજ વડાપ્રધાનને મોરારજીભાઇ પાસેથી નાણાખાતું લઇ લીધું અને તેઓએ હોદ્દાનો ત્યાગ કર્યો.
સંસ્થા કોંગ્રેસના એ સર્વોચ્ચ નેતા તરીકે અને મૂળ કોંગ્રસના વફાદાર સેવક તરીકે મોરારજીભાઇએ દેશસેવાની પ્રવૃતિ ચાલુ રાખી. અવકાશના સમયમાં પોતાની આત્મકથાના બે ભાગો લખ્યા. ઇ.સ.૧૯૭૧ની લોકસભા-ધારાસભાની ચૂંટણીઓ આવી બન્ને પક્ષો સામસામી છાવણીઓમાં લડી લેવાનું નક્કિ કર્યું. શાસક કોંગ્રેસએ બહુમતિથી જીત મેળવી.
મોરારજીભાઇએ જોયું કે લોકસભા-ધારાસભાની ચૂંટણીઓમાં જો શાસક કોંગ્રેસ પરાજીત કરી -વિરોધ પક્ષોએ વિજયી થવું હોય તો કોંગ્રેસ સામે તે બધાએ એકત્રીત થવું જોઇએ અને એક સંયુંકત પક્ષની રચના કરવી જોઇએ. અલ્હાબાદ હાઇકોર્ટમાં વડાપ્રધાન ઇન્દિરાબહેન ચૂંટણી કેસમાં પરાજિત થયા. વડાપ્રધાનનો હોદ્દા પરથી રજીનામું મુકવા તેમના વિરુધ્ધ આંદોલનો થયા. આ આંદોલનોના પગલે વડાપ્રધાન ઇન્દિરાબહેન ગાંધીએ કટોકટી જાહેર કરી. અને વિરોધ પક્ષના નેતાઓને ૨૫મી જુન-૧૯૭૫ના મધરાતે ધરપકડ થઇઃએકાંતવાસમાં ૧૮-૧૮ માસ સુધી પુરી રાખવામાં આવ્યા. છતા મોરારજીભાઇનો નૈતિક જુસ્સો રજ માત્ર પણ ઓસર્યો નહી. ૮૨ વર્ષની વયે પણ તેઓમાં જે માનસિક અને શારીરિક શકિત હતી તે તેમની આધ્યાત્મિક શકિતનું જ પરિણામ હતું.
વડાપ્રધાન ઇન્દિરાબહેન ગાંધીએ લોકસભાની ચંૂટણીની જાહેરાત કરી અને નેતાઓને મુકત કરાયા. મોરારજીભાઇને મુકત કરતા દેશની પ્રજાએ તેઓને અભૂતપૂર્વ પ્રેમ, શ્રધ્ધા અને ભકિતથી વધાવી લીધા. મોરારજીભાઇને જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સૌએ સપ્રેમ સ્વીકારી લીધા અને જનતા પાર્ટીએ અકલ્પેલો વિજય મળયો. તેઓ સૂરતમાંથી લોકસભાની ચુંટણી લડયા -વિજયી થયા-અને દેશના ચોથા વડાપ્રધાન બન્યા. લોકશાહી અને નાગરિક સ્વાત્રંત્ય ઝંખતી જનતાએ મોરારજીભાઇમાં પોતાની મુકિતદાતાનાં દર્શન કર્યા.
મોરારજીભાઇ જયારે ઇન્દિરાબહેનને મળયા ત્યારે ઇન્દિરાબહેનને કહયું, ‘મને એક વાતનો સંતોષ છે કે દેશની શાસનધુરા આપ જેવા નેક આદમીના હાથમાં છે.’ મોરારજીભાઇએ ભારતના વડાપ્રધાનનો હોદ્દો સ્વીકાર્યો તે દિવસની વહેલી સવારે જનતા પાર્ટીના સંસદ સભ્યો સાથે નવી દિલ્હીમાં પૂ.ગાંધીજીની સમાધિ રાજધાટ પર પ્રીતજ્ઞા લીધી. આ પ્રીતજ્ઞામાં ભારતની સેવા કરવા ગાંધી ચીંધ્યા માર્ગે શાસનતંત્ર ચલાવવાની ભાવના વ્યકત કરી. ભારત જેવા વિશાળ, ગરીબ અને વિકસતા દેશના અનેક અટપટા અને મુંઝવતા પ્રશ્નોને હલ કરવા માટે સેવાની ઉદાર ભાવનાવાળા, ઉચ્ચ ચારિત્ર્ય વાળા અને સાદાઇમાં માનનાર રાષ્ટ્રસેવકોની પ્રથમ જરૂરતનો સ્વીકાર જનતા પાર્ટીના અગ્રણીઓએ કર્યો. અને મોરારજીભાઇએ બિનકોંગ્રેસી વડાપ્રધાનનું પદ સંભાળયું.
મોરારજીભાઇએ જીવનમાં અનેક લીલી-સૂકી જોઇ છે. પરંતું કર્મમાં માનનારા મોરારજીભાઇ કદી હતાશ થયા નથી. ભદેલી જેવા એમ નાનકડા ગામમાં જન્મેલા, ખેડૂત કુટબમાં ઉછરેલા બાળક ભારતના વડાપ્રધાન તરીકે દિલ્હીમાં ઉચાં સ્થાને બિરાજે તેમાં જ સ્વરાજ અને લોકશાહીની સફળતા છે. પ્રજાની ઇચ્છાઓ, જનસેવાની મહેચ્છા, વહીવટીતંત્રનો વિશાળ અનુભવ, લોકસંપર્ક ભારતને રાષ્ટ્ર તરીકે સમૃધ્ધ કરવામાં અને દેશમાં શાંતિ અને સુવ્યવસ્થાનું રાજ સ્થાપવામાં ઉપયોગી નિવડયું. મોરારજીભાઇ માટે સરકાર અને સત્તા એ દેશવિકાસ અને જનકલ્યાણનાં સાધનો જ છે. તેઓનું માનવું છે કે માણસ જન્મયાથી મરતાં સુધી જે સુખદુઃખ ભોગવે છે. એ બધું પોતાના સંચિત કર્મોનું જ પરિણામ હોય છે. દરેક વ્યકિત ઉર્ધ્વગામી છે અને તેથી જ તેઓએ હંમેશા પોતાની ભુલોને સુધારવા માટે સાચા હદયથી પ્રયત્નો કર્યા છે.
એમની આત્મકથા ‘મારું જીવનવૃતાંત’ માં તેમની જીવનશ્રધ્ધા વિશે વિર્સ્તત આલોચના કરી છે. તેમાં લખ્યું છે કે-‘નિઃસ્વાર્થ જનસેવાની મારફત જ ઇશ્વરદર્શન શકય છે તેવી મારી દ્રઢ માન્યતા છે.’ ભારતની જનતાને જનસેવક એવા મોરારજીભાઇ વડાપ્રધાન તરીકે મળયા તે લોકશાહીનું અહોભાગ્ય છે.
મોરારજીભાઇએ કુશળ વહીવટ શકિતનો પરિચય આપી જાહેર જનતાની પ્રાથમિક જરૂરીયાત ગણાતાં ખાંડ-તેલ અને અનાજના ભાવોને અંકુશમાં લઇ મોંઘવારીને કાબૂમાં લાવી દીધી. પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો સામાન્ય બનાવ્યા. ઇ.સ.૧૯૮૦માં જનતા પાર્ટીનો પ્રચાર કર્યો પણ સક્રિય રાજકારણમાંથી નિવૃતિ લઇ લીભી અને મુંબઇ રહેવા ચાલ્યા ગયા. ઇ.સ.૧૯૯૫માં ૯૯ વર્ષ વટાવ્યા બાદ આ તેજસ્વી રાજપુરુષનું અવસાન થયું. મોરારજીભાઇને ભારત દ્વારા દેશનો સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’ આપ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાને પણ તેમને ‘નિશાન-એ-પાકિસ્તાન’ના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજયા છે.