સેટેલાઈટમાં તસ્કરો ત્રાટક્યાઃ ૮.૨૪ લાખની ચોરી
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે આ પરિસ્થિતિમાં પોલીસ તંત્ર પણ આરોપીઓને ઝડપી લેવા માટે સતત પેટ્રોલીંગ કરી રહી છે. તેમ છતાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ અવિરતપણે બની રહી છે શહેરનાં સેટેલાઈટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને એક મકાનમાંથી રૂ.૮.૨૪ લાખનાં મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે. આટલી મોટી રકમની ચોરી થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યાં હતા અને ઘટના સ્થળની આસપાસનાં સીસીટીવી ફૂટેજ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે, શહેરનાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલી પારસકુંજ સોસાયટીમાં રહેતાં કલ્પેશભાઈ ધનજીભાઈ પુરોહિત મૂળ રાજસ્થાનનાં રહેવાસી અને છેલ્લાં ઘણાં સમયથી અમદાવાદમાં સ્થાયી થયાં છે તેઓ જાધપુર ચાર રસ્તા પાસે પ્રકાશ પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાન ધરાવે છે અને આ જ મકાનમાં નીચે ભાગે તેનાં માતા-પિતા રહે છે.
ગઈકાલે તેમના માતાપિતા બહાર ગયાં હોવાથી ઘરને તાળું માર્યું હતું. બીજી બાજુ ગઈકાલે સવારે કલ્પેશભાઈ નિત્યક્રમ મુજબ કલ્પેશભાઈ સવારે પોતાની દુકાને જવા માટે તૈયારી કરતાં હતા અને નીચે આવ્યાં ત્યારે જાયું તો નીચે દરવાજાને મારેલું તાળું તુટેલી હાલતમાં જાવા મળ્યું હતું અને અંદર પડેલો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો.
જેનાં પગલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી. તપાસ કરતાં ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.૮.૨૪ લાખના મુદ્દામાલની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આ અંગે સેટેલાઈટ પોલીસ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.