Western Times News

Gujarati News

સ્વાતંત્ર્ય સેનાની મોરારજીભાઇ દેસાઇના ૧૨૫મા જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અપાઇ

તા.૨૯મી ફેબ્રુઆરી,૧૮૯૬ના રોજ વલસાડ ખાતે જન્મનાર સ્વાતંત્ર્ય સેનાની શ્રી મોરારજી દેસાઇના ૧૨૫મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભાના પોડિયમમાં આવેલ તેમના તૈલચિત્રને ગાંધીનગરના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

શ્રી મોરારજી દેસાઇએ સ્નાતક થયા બાદ નાયબ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આઝાદીકાળ દરમિયાન છ વખત જેલવાસ પણ ભોગવ્યો હતો. તેમના જીવનકાળ દરમિયાન તેમણે મુંબઇ રાજ્યમાં મહેસૂલ મંત્રી તથા ગૃહમંત્રી તરીકે ફરજ નિભાવી હતી. તેમણે મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન તરીકે પદભાર સંભાળી સફળ નેતૃત્વ કર્યુ હતું.  નિર્ભય, કર્મનિષ્ઠ, ગીતાના કર્મના સિદ્ધાંતનું દ્રઢપણે પાલન કરનારા, સ્વમૂત્ર શિવામ્બુના આગ્રહી અને સત્યના પ્રખર ઉપાસક એવા શ્રી મોરારજી દેસાઇનું આઝાદીની ચળવળમાં અનોખુ યોગદાન રહ્યુ છે.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલ,અધિકારીશ્રીઓ/કર્મચારીઓ સહિત તાપી જિલ્લાના કડાગાઠ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉપસ્થિત રહી શ્રી મોરારજી દેસાઇના આઝાદીકાળના સંસ્મરણો યાદ કરી તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.