આવતીકાલના ઉજ્જવળ ભવિષ્ય માટે પાણી અને પર્યાવરણ બચાવવું ખુબ જરૂરી છે : બનાસકાંઠા કલેક્ટર
પાલનપુર તાલુકાના ભાગળ(પીં) ખાતે કલેક્ટરશ્રી સંદીપ સાગલેના હસ્તે રૂ. ૧૬.૦૧ લાખના વિકાસ કામોનું ખાતમૂર્હત થયું
પાલનપુર તાલુકાના ભાગળ(પીંપળી) ગામે એંગમેંટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરીયા (જનરલ) અંતર્ગત આંતરીક પીવાના પાણીની યોજનાના રૂ. ૧૬.૦૧ લાખના કામોનું બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી સંદીપ સાગલેના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે, પાણી કુદરત તરફથી આપણને મળેલ મહાપ્રસાદ છે તેનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. તેમણે કહ્યું કે, પાણીના આડેધડ વપરાશ અને પર્યાવરણના પ્રદુષણના લીધે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે છે. આવતીકાલના ઉજ્જવળ ભવિષ્ય માટે પાણી અને પર્યાવરણ બચાવવું ખુબ જ જરૂરી છે.
તેમણે જણાવ્યું કે, આ યોજના થકી ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે હલ થશે અને તેની સાથે તંદુરસ્તી પણ જળવાશે. તેમણે જણાવ્યું કે, આપણા વડાપ્રધાનશ્રીએ પાણી બચાવો, પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા માટે વિશાળપાયે જન જાગૃતિનું અભિયાન હાથ ધર્યુ છે તેને સફળ બનાવી આવતીકાલને સુખી-સમૃધ્ધ બનાવીએ. તેમણે જણાવ્યું કે, બહેનો જાગૃત બની શિક્ષણ, આરોગ્ય સહિત તમામ ક્ષેત્રોમાં નેતૃત્વ કરે તથા ગામની વિવિધ સમિતિઓમાં જોડાઇ ગામના વિકાસમાં સહભાગી બને તે પણ જરૂરી છે.
કલેક્ટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, શહેરોની જેમ ગામડાઓના વિકાસ માટે પણ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે ત્યારે ગામના વિકાસ માટે સરકારની યોજનાઓનો લાભ લઇ આપણા ગામને વિકાસની નવી ઉંચાઇએ લઇ જઇએ. તેમણે કહ્યું કે દુનિયાના અમુક ભાગોમાં પાણી જવાની દહેશત સેવાઇ રહી છે ત્યારે આપણે જાગૃત નાગરિક બની પાણીને બચાવવા તથા પ્રદુષણને અટકાવવાના પગલાં લેવા પડશે. તેમણે ઉમેર્યુ કે, રણ વિસ્તારમાં પીવાના પાણી માટે પણ બહેનો માથા પર બેડા લઇ પાણી ભરવા દૂર સુધી જતી જોવા મળે છે
પરંતું આપણે નસીબદાર છીએ કે, ઘરના રસોડા સુધી નળથી પાણી મળે છે. કલેકટરશ્રીએ કહ્યું કે, જળ એ જ જીવન છે તેના મહત્વને સમજી પાણી બચાવવું એ આપણી પ્રાથમિક જવાબદારી છે. તેમણે કહ્યું કે લોકોને પાણીનું મહત્વ સમજાય તે માટે સમગ્ર દેશમાં જળ શક્તિ અભિયાન ચલાવી જળ સંચયના સંખ્યાબંધ કામો કરવામાં આવ્યા છે. જેનાથી આવનારા સમયમાં વિરાટ પ્રમાણમાં જળ શક્તિનો સંગ્રહ કરી શકાશે.
આ પ્રસંગે જિ.પંચાયત સદસ્યશ્રી લાલજીભાઇ કરેણ અને શ્રી રવિરાજ ગઢવી, તા.પંચાયત સદસ્યશ્રી જયોત્સનાબેન જગાણીયા, અગ્રણીશ્રી દિનેશભાઇ ગઢવી, પાણી પુરવઠા વિભાગના અધિક ઈજનેરશ્રી આર. એમ. મહેરીયા, કાર્યપાલ ઈજનેરશ્રી એમ. એન. ગુપ્તા, નાયબ કાર્યપાલ ઈજનેરશ્રી અનિલભાઈ પ્રજાપતિ, યુનિટ મેનેજર વાસ્મો શ્રીમતી કૈલાશબેન મેવાડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી અભિષેક પરમાર, ભાગળ(પીંપળી) ગામના સરપંચશ્રી, પાણી સમિતિના સભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.