દિલ્હી હિંસા : નાળામાંથી વધુ ત્રણ મૃતદેહ મળ્યા, મૃત્યુઆંક ૪૫ થયો
નવી દિલ્હી: નાગરિક સુધારા કાનૂનના સમર્થન અને વિરોધમાં થયેલા પ્રદર્શન દરમિયાન ભડકેલી કોમી હિંસામાં દિલ્હીમાં મોતનો આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો છે. આજે દિલ્હી પોલીસને વધુ ત્રણ મૃતદેહ હાથ લાગ્યા હતા. આની સાથે જ મોતનો આંકડો વધીને હવે ૪૫ ઉપર પહોંચી ગયો છે. ગંદા નાળામાંથી વિકૃત હાલતમાં વધુ ત્રણ મૃતદેહ આજે મળી આવ્યા હતા. આની સાથે જ મોતનો આંકડો ૪૫ ઉપર પહોંચ્યો હતો. બીજી બાજુ દિલ્હીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. સ્થિતિને સામાન્ય બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહી છે પરંતુ અજંપાભરેલી બનેલી છે. કોમી એકતા જાળવી રાખવા માટે એકબાજુ સ્થાનિક નેતાઓ સાથે સુરક્ષા દળો દ્વારા નિયમિત વાતચીત કરવામાં આવી રહી છે.
બીજી બાજુ તોફાની તત્વોને પકડી પાડવા વ્યાપક દરોડાનો દોર ચાલી રહ્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના કહેવા મુજબ ઉત્તરપૂર્વીય જિલ્લાના તમામ વિસ્તારોમાં વધારાના સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યા છે. લોકલ લોકો સાથે વાતચીત ચાલી રહી છે. લોકોમાં વિશ્વાસ જગાવવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. મળેલી માહિતી મુજબ શોધખોળ કામગીરી દરમિયાન ગોકુલપુરીના નાળામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો
જ્યારે ભાગીરથી વિહારના નાળામાંથી બીજા બે મૃતદેહ મળી આવ્યા છે. આ મૃતકોની હજુ સુધી ઓળખ કરવામાં આવી નથી. ઉત્તરપૂર્વીય દિલ્હીમાં ગયા રવિવારના દિવસે રમખાણોની શરૂઆત થઇ હતી જે ત્રણ દિવસ સુધી જારી રહ્યા હતા. હજુ સુધી ૪૫ના મોત થઇ ચુક્યા છે જેમાં આઈબીના કર્મચારી અંકિત શર્મા અને હેડકોન્સ્ટેબલ રતનલાલનો પણ સમાવેશ થાય છે. ઘાયલોની સંખ્યા ૩૦૦થી પણ વધારે નોંધાઈ છે.
ઉત્તરપૂર્વીય દિલ્હીમાં પોલીસ વહીવટીતંત્રના કઠોર વલણ બાદ સ્થિતિને સામાન્ય બનાવવામાં સફળતા મળી રહી છે. બીજી બાજુ જેમ જેમ દિવસો પસાર થઇ રહ્યા છે તેમ મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. આજે દિલ્હી પોલીસને ત્રણ મૃતદેહ હાથ લાગ્યા હતા. ગોકુલપુરીના નાણામાં એક મૃતદેહ મળ્યો હતો. આ એજ વિસ્તાર છે જ્યાંથી ઇન્ટેલીજન્સ બ્યુરોના અધિકારી અંકિત શર્માનો મૃતદેહ સેંકડો ચાકુના ઘા સાથે મળી આવ્યો હતો. ભાગીરથી વિહારના નાળામાંથી વધુ બે મૃતદેહ મળ્યા છે.
સુરક્ષા કર્મચારીઓ નિયમિતપણે વાતચીત કરી રહ્યા છે. આજે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, અફવાઓ પર ધ્યાન નહીં આપવા માટે લોકોને કહેવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસના વડા એસએન શ્રીવાસ્તવે માહિતી આપતા કહ્યું છે કે, સોશિયલ મિડિયા પર અફવાઓ ઉપર ધ્યાન નહીં આપવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. કોઇપણ માહિતી અંગે પોલીસને જાણ કરવા સૂચના અપાઈ છે.
શનિવારના દિવસે જવાબદારી સંભાળી લીધા બાદ દિલ્હી પોલીસના વડા શ્રીવાસ્તવે કહ્યું છે કે તેમની પ્રાથમિકતા રાષ્ટ્રીય પાટનગરમાં શાંતિ સ્થાપિત કરવાની રહેલી છે. ત્રણ દશકમાં સૌથી વિનાશક હિંસાઓ દિલ્હીમાં થઇ ચુકી છે. મોટાભાગના વિસ્તારો હજુ પણ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે છે. જે વિસ્તારોમાં સૌથી વધુ હિંસા થઇ હતી તેમાં જાફરાબાદ, મોજપુર, બાબરપુર, ચાંદબાગ, શિવવિહાર, ભજનપુરા, યમુનાવિહાર વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ ઉત્તરપૂર્વીય દિલ્હીના વિસ્તારો છે જ્યાં ૪૫ના મોત થઇ ચુક્યા છે. કરોડોની સંપત્તિને નુકસાન થયું છે. મોટી સંખ્યામાં મકાનોને આગ ચાંપી દેવામાં આવી છે. દુકાનો અને વાહનો તથા પેટ્રોલ પંપને આગ ચાંપવામાં આવી છે. લોકલ લોકો અને પોલીસ ઉપર પથ્થરમારો કરાયો છે.