દાહોદના તબીબનો અનોખો સેવાયજ્ઞ – 8000થી વધુ મહિલાઓનું નિઃશુલ્ક કર્યું નિદાન
નારી ગૌરવ લેખ – દર્શન ત્રિવેદી : આ વાત વર્ષ ૧૯૭૪-૭૫ની છે. એ અરસામાં ઝાલોદ તાલુકામાં પર્યાપ્ત શિક્ષણ સુવિધા નહોતી. તાલુકા મથકથી નજીક આવેલા ગામડી ગામમાં પણ ઉચ્ચ શૈક્ષણિક સુવિધા નહોતી. માત્ર એક જ ઓરડાની શાળામાં પ્રાથમિક શિક્ષણની સુવિધા હતી. વાલીઓ બાળકને નાસ્તો કરાવવા અને બાળક રખડે નહી તે માટે શાળાએ મોકલે. આવી સ્થિતિમાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ત્યાં માધ્યમિક શાળા ખોલવામાં આવી. ગામના છોકરાઓ આ શાળામાં અભ્યાસ માટે આવતા. તેમાં એક છાત્ર અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી. છાત્રની મેધાવીશક્તિને પારખીને શાળાના શિક્ષકો પણ તેમાં વિશેષ રૂચિ લેતા હતા. આ છાત્ર ભવિષ્યમાં તબીબ બનવાનો હતો અને દાહોદ જિલ્લાની અનેક મહિલાઓની સેવા કરવાનો હતો.
અહીં વાત થાય છે દાહોદના જાણીતા તબીબ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગભાઇ આર. ડામોરની. સમગ્ર ગુજરાતમાં આ જ એક માત્ર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે જે પોતાની હોસ્પિટલે દર માસમાં એક વાર એટલે પ્રતિ માસની નવમી તારીખે મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરી આપે છે. તેમની સેવા અનન્ય છે. પણ, તે પૂર્વે તેમની આ સેવા પાછળ રહેલા તેમના સંકલ્પ-સંઘર્ષની વાત કરીએ.
કલસિંગે પોતાના જૂના મેટ્રીક્લુલેશન સુધીનો અભ્યાસ પોતાના ગામમાં જ કર્યો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી તબીબી શિક્ષણ માટે જરૂરી વિષયો સાથે અભ્યાસ કરવાનો આગ્રહ શિક્ષકોએ રાખ્યો પણ, દુવિધાએ હતી કે, ગામડીની આ શાળામાં આ વિષયના ક્લાસ નહોતા. આ બાબતનો તોડ શાળાના તત્કાલીન આચાર્ય શ્રી પી. આર. પટેલે કાઢ્યો.
કલસિંગને શિક્ષક રૂમમાં જ અભ્યાસ શરૂ કરાવવામાં આવ્યો. વિજ્ઞાન પ્રવાહમાં માત્ર એક જ વિદ્યાર્થી હોવા છતાં શિક્ષકો તેને અભ્યાસ કરાવવા માટે તૈયાર ! વિજ્ઞાન પ્રવાહના વિષયો શિક્ષકો સારી રીતે અભ્યાસ કરાવવા લાગ્યા. મેટ્રીકમાં ૭૪ ટકા આવ્યા.
પછી ઝાલોદની બી. એમ. હાઇસ્કૂલ અને દાહોદમાં અભ્યાસ કરી અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો. બી જે મેડિકલ કોલેજમાં સ્ત્રી રોગ વિશેષજ્ઞની પદવી મેળવીને પાંચ વર્ષ દાહોદ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં સેવા બજાવી. સરકારી સેવામાં તેઓ કદાચ આજે ઉચ્ચ પદ પર હોત. પરંતુ દાહોદ જિલ્લાની મહિલા ઓની આદિવાસી મહિલાઓની તંદુરસ્તી અને એની સમસ્યાઓ શરૂઆતથી જોઈ હતી..એના માટે જ કામ કરવાનું નક્કી કરીને પોતાની સ્વતંત્ર જનની હોસ્પિટલ ચાલુ કરી.
એવામાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ચિરંજીવી યોજના શરૂ કરી. આ યોજના હેઠળ વર્ષ ૨૦૦૫થી છેક ૨૦૧૪ સુધી આ યોજના અંતર્ગત હજારો માતાઓને તેમનું માતૃત્વ સુરક્ષિત કરવામાં ડો. ડામોરે પોતાના જ્ઞાનનું યોગદાન આપ્યું.
હવે મૂળ વાત ! એ બાદમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા બાદ તબીબી જગતને એવી અપીલ કરી કે માસમાં એક દિવસ તબીબો સેવાભાવ સાથે કોઇ પણ ફિ લીધા વીના કામ કરે. વડાપ્રધાનશ્રીની આ વાત ડો. ડામોરને ખૂબ જ સ્પર્શી ગઇ. એમણે વર્ષ ૨૦૧૬માં દર માસની નવમી તારીખે વિનામૂલ્યે પોતાની હોસ્પિટલે જ નિદાન કરવાનું શરૂ કર્યું. વડાપ્રધાનશ્રીના સુરક્ષિત માતૃત્વ અભિયાનને તેમને સારી રીતે ઝીલી લીધું.
ડો. ડામોર કહે છે, છેલ્લા ચાર વર્ષમાં ૮૦૦૦થી વધુ મહિલાઓનું નિઃશુલ્ક નિદાન અને જરૂર પડે તો પરિસ્થિતિને અનુરૂપ વિનામૂલ્યે સારવાર કરી છે. માસની નવમી તારીખે મારી હોસ્પિટલે ઓછામાં ઓછી ૨૦૦ જેટલી મહિલાઓ આ સેવાનો લાભ લે છે.
તે જણાવે છે, મહિલા તંદુરસ્તી જ મહિલા સશક્તિકરણની પ્રથમ શરત છે. વડાપ્રધાનશ્રીની આ વાત મને ખૂબ જ પસંદ આવી છે. હું આદિવાસી વિસ્તારની મહિલાની બની શકે એટલી સેવા કરૂ છું. આ ઉપરાંત વર્ષમાં ચાર બહારના સ્થળે કેમ્પ કરૂ છું. એમાં એક કેમ્પ મારા ગામ ગામડીમાં કરૂ છું. જેમાં નિદાન અને સારવાર, દવાઓ વિનામૂલ્યે આપું છું.
ડો. ડામોરે એક વાત એવી પણ કહી કે, દાહોદ જિલ્લાની આદિવાસી મહિલાઓને તેમની ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ સાવ ઓછું જોવા મળે છે. અમે ક્યારેક માત્ર એકથી દોઢ ટકા હિમોગ્લોબીન હોય એવી મહિલાની પણ સુરક્ષિત ડિલિવરી કરાવી છે. આ માટે રાજ્ય સરકારે પોષણ અભિયાન ચલાવ્યું છે, એ સારી બાબત છે.
તેમણે પોતાની હોસ્પિટલમાં કવિ બોટાદકરની કવિતા જનની ની જોડ સખી નહી જડે રે લોલ લખાવી છે અને તેને સાર્થક કરવાની પ્રબળ મહેચ્છા ધરાવે છે.