પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રાજ્યભરના યુવાનોએ ભાગ લીધો
ગોધરા: પર્વતારોહણ-અવરોહણ જેવી સાહસિક રમતોને પ્રોત્સાહન આપવા પંચમહાલના પાવાગઢ સહિતના પ્રસિધ્ધ પર્વતો પર સરકારે શરૂ કરેલ આ સ્પર્ધાને યુવાનોએ વધાવી લીધી હતી. પાવાગઢ ખાતે યોજાયેલ પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધાના પ્રથમ સંસ્કરણમાં રાજ્યભરના 496 જેટલા સ્પર્ધકો પ્રતિભાગી થયા હતા. પાવાગઢના માંચીથી દૂધિયા તળાવ સુધીના પગથિયાઓના આરોહણ-અવરોહણની આ સ્પર્ધામાં વલસાડ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, મહિસાગર, બનાસકાંઠા, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી દોડવીરો પ્રતિભાગી થયા હતા.
સિનિયર બોયઝ કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થનાર અમરેલીના ભાલિયા સોમતે જણાવ્યું હતું કે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સ્પર્ધામાં ભાગ લેવા માટે થનારા ખર્ચને લઈને તે ચિંતિત હતો પરંતુ ત્યારબાદ તેને સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓના રહેવા-જમવા અને એસ.ટી.ભાડાની વ્યવસ્થા સરકાર તરફથી પૂરી પાડવામાં આવશે તેવી માહિતી મળતા રાહત થઈ હતી. જાફરાબાદની ગર્વમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મનોવિજ્ઞાન વિષય સાથે અભ્યાસ કરતા સોમતે જણાવ્યું હતું કે પ્રથમ ત્રણ જ નહીં
પરંતુ પ્રથમ દસ ક્રમાંકે રહેલ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવાની પહેલ પણ પ્રશંસનીય છે. જે તેમને રમત-ગમતક્ષેત્રે આગળ વધવામાં મદદરૂપ અને પ્રોત્સાહક સાબિત થશે. જ્યારે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બીજે નંબરે રહેલા ગીર-સોમનાથના અનિલ સોલંકીએ પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધાના આયોજનની પ્રશંસા કરતા તેને અનુભવી દોડવીરો માટે એક નવા પડકાર સમાન ગણાવી હતી. દાહોદથી મિત્રો સાથે આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા હિતેશકુમાર મકવાણાએ જણાવ્યું હતું કે આ પ્રકારનું આયોજન શાળા-કોલેજ પૂર્ણ કરી ચૂક્યા હોય પણ આ પ્રકારની સાહસિક અને સ્પર્ધાત્મક રમતોમાં હિસ્સો લેવા ઈચ્છતા યુવાનો માટે ઉત્તમ વિકલ્પ પૂરો પાડે છે.
સેનામાં ભરતી માટે તૈયારી કરતા હિતેશ જણાવે છે કે આ સ્પર્ધાએ તેમને ફિટનેસનું સ્તર સુધારવા અને સ્પોર્ટસમાં નિયમિત રીતે ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા છે. હિતેશ અને મિત્રોએ વહીવટીતંત્ર દ્વારા ખેલાડીઓ માટે રહેવા-જમવા સહિતની સુવિધાઓ માટે સંતોષ વ્યક્ત કરતા સ્પર્ધામાં ભાગલેવાને આનંદદાયક અનુભવ ગણાવ્યો હતો.