આત્મહત્યાનું કારણ માનસિક દબાણ જ છે : જાગૃતિના પ્રયાસ
અમદાવાદ: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં બનતા આત્મહત્યાના બનાવોમાં ખેતીના વ્યવસાયના કારણે ખેડૂતોની આત્મહત્યા થાય છે એનું પ્રમાણ ખૂબ જ નહિવત છે. આત્મહત્યાના કિસ્સામાં જાણવાજોગ એફઆઈઆરમાં વ્યવસાય ખેતી લખ્યુ હોય તો ખેતીના કારણે જ આત્મહત્યા કરી છે એવું માનવું યોગ્ય નથી અનેક માનસિક તાણના લીધે આત્મહત્યાના બનાવો બનતા હોય છે. આજે વિધાનસભા ખાતે ખેડા-આણંદ જિલ્લામાં નાગરિકોએ કરેલ આત્મહત્યાના પ્રયાસોના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, નાગરિકો માનસિક રીતે નાના, મોટા તણાવને લીધે, પદ-પ્રતિષ્ઠા પામવામાં લોકોની સહનશક્તિ ઘટી છે એટલે આવા કિસ્સા બને છે અને આત્મહત્યા થાય છે.
આત્મહત્યાના કારણોમાં વિદ્યાર્થીઓના પરિણામો, લગ્નત્તર સંબંધો સહિત અનેક તણાવના લીધે આત્મહત્યાના બનાવો બને છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આત્મહત્યા કરનારને ગુનાની પરિભાષામાં ગણના થતી નથી પરંતુ, મેન્ટલ હેલ્થ એક્ટ મુજબ જે આત્મહત્યાનો પ્રયાસ કરશે તેની સામે કલમ મુજબ કાર્યવાહી કરાય છે સાથે સાથે આત્મહત્યા સંદર્ભે દુષ્પ્રેતરણા માટે ફરજ પાડી હોય તો તેની સામે પણ પગલાં લેવાય છે. ખેડા-આણંદ જિલ્લામાં એકપણ કિસ્સામાં ખેતીના કારણે આત્મહત્યાનો એકપણ કિસ્સો બન્યો નથી.
તેજ રીતે બેરોજગારીના કારણે આત્મહત્યાનો પણ એકપણ કિસ્સો બન્યો નથી. મંત્રી જાડેજાએ કહ્યું કે ગુજરાત એક સમૃધ્ધ રાજ્ય છે. ૨૫ વર્ષથી ભાજપાનું શાસન છે અને રોજગારી ક્ષેત્રે પણ દેશમાં પ્રથમ રાજ્ય ગુજરાત છે એટલે બેરોજગારીના કારણે આત્મહત્યાના બનાવોનું પ્રમાણ નહિવત છે.