અમદાવાદમાં ડેન્ગ્યુના નવા વર્ષમાં ૧૦૫ કેસો નોંધાયા
અમદાવાદ: અમદાવાદ શહેરમાં હાલમાં ગરમીની ધીમી ગતિએ શરૂઆત થઈ રહી છે ત્યારે હાલમાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૨૦માં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવાયા હોવા છતાં ડેન્ગ્યુના ૧૦૫ કેસ નોંધાયા છે. જે પૈકી જાન્યુઆરી મહિનામાં ૮૧ અને ફેબ્રુઆરી મહિનામાં ૨૪ કેસ સપાટી પર આવ્યા હતા. બીજીબાજુ અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલ્ટીના બે મહિનામાં જ ૯૦૪ કેસ સપાટી પર આવી ચુક્યા છે.
જેમાં જાન્યુઆરી મહિનામાં ઝાડા-ઉલ્ટીના ૩૮૭ અને ફેબ્રુઆરીમાં ૫૧૭ કેસ સપાટી પર આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિન ટેસ્ટ, ક્લોરિન નીલ જેવા પગલા લેવામાં આવી રહ્યા છે. રોગચાળાના કેસોને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં નવા કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.
ડિસેમ્બર મહિનામાં પણ મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત ક્લોરિન ગોળીઓનું વિતરણ, પાણીના નમૂનાની તપાસ કરાઈ છે. બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે હજારોની સંખ્યામાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવાયા છે. ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન ૧૨૪૯૩૧ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા
જેની સામે ૨૯મી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં ૧૦૧૯૪૫ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન લીધેલા ૨૭૪૯ સિરમ સેમ્પલોની સામે ૨૯મી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં ૧૨૭૬ સિરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. ચાલુ માસ દરમિયાન પાણીના અનફિટ સેમ્પલોની સંખ્યા ૧૦ નોંધાઈ છે. છેલ્લા સપ્તાહના દરમિયાન રેસીડેન્ટ ક્લોરિન ટેસ્ટની સંખ્યા ૨૫૦૭ નોંધાઈ છે. છેલ્લા અઠવાડિયા ગાળા દરમિયાન ક્લોરિન નીલ ટેસ્ટની કામગીરી ૩૩ રહી છે.
છેલ્લા અઠવાડિયા દરમિયાન પાણીના અનફિટ સેમ્પલની સંખ્યા ત્રણ નોંધાઈ છે. ક્લોરિન ગોળીઓનું વિતરણ ૬૦૧૨૨ થયું છે. ચાલુ માસ દરમિયાન પાણીના નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાણીના અનફિટ સેમ્પલની સંખ્યા ૧૦ જેટલી નોંધાઈ ગઈ છે.