દાહોદમાં લોકસુરક્ષાની ફરજ બખૂબી નિભાવતી જિલ્લા પોલીસ તંત્રની ૨૩૧ મહિલા પોલીસકર્મી
દાહોદ જિલ્લા પોલીસ તંત્રમાં કામ કરતી કર્મયોગિનીઓ પ્રોફેશન અને પર્સનલ લાઇફ સારી રીતે બેલેન્સ રાખી શકે છે-પોલીસ તંત્રની આકરી મનાતી ફરજ પણ મહિલા પોલીસ કર્મચારીઓ સફળતાપૂર્વક નિભાવે છે, રાત્રીફરજ, ચેકપોસ્ટ ડ્યુટી પણ કરે છે
દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં રાવ લઇ આવતી નાના બાળકની પીડિત માતાઓના ૯૯ ટકા કિસ્સામાં પોલીસ તૂટતો પરિવાર ફરી બાંધે છે
નારી ગૌરવ લેખ – દર્શન ત્રિવેદી: નારીશક્તિ ઘરના ઉંબરાને વટાવી આજે આકાશ સુધી પહોંચી ગઇ છે. હવે તો એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં નારીનો ડંકો વાગતો ન હોય ! નારીશક્તિને યથોચિત સન્માન અને સમાન તક મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક ક્રાંતિકારી નિર્ણયોને કારણે નારીશક્તિની પ્રતિભાને વેગ મળવાની સાથે તેની ખૂબીઓનો પરિચય લોકોને થયો છે. તેવું જ એક ક્ષેત્રે છે પોલીસ તંત્ર ! દાહોદ જિલ્લા પોલીસ તંત્રમાં કાર્યરત ૨૩૧ મહિલા પોલીસકર્મીઓ લોકરક્ષાનું કામ બખૂબી કરી રહી છે. વળી, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરની આગેવાનીમાં જિલ્લાનું સમગ્ર પોલીસ તંત્ર મહિલાઓ વિરુદ્ધ થતાં ગુનાને નશ્યત કરવામાં સફળ રહ્યું છે.
જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર કહે છે, દાહોદ જિલ્લાની મહિલા પોલીસકર્મીઓ કોઇ તમામ પ્રકારની ડ્યુટી સરળતાથી કરે છે. રાત્રી ફરજ પણ સારી રીતે અદા કરે છે. ચેકપોસ્ટ ખાતે પણ મહિલા પોલીસ કર્મચારી વટભેર ફરજ અદા કરે છે. દાહોદના પોલીસ તંત્રની મહિલા પોલીસ કર્મયોગી પુરુષ સમોવડી છે.
મહિલાઓની સુરક્ષા હંમેશા રાજ્ય સરકારનો અગ્રીમ વિષય રહ્યો છે. દાહોદમાં મહિલાઓની સુરક્ષા માટે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ઉપરાંત ઇન્વેસ્ટીગેશન યુનિટ ઓફ ક્રાઇમ અગેઇન્સ્ટ વીમીન કાર્યરત છે. દાહોદ જિલ્લા પોલીસ તંત્રની જ વાત કરીએ તો કિશોરીઓના ગૃહત્યાગ, નસાડી જવાના કિસ્સા વિશેષ બને છે. આવા ૯૦ ટકા કિસ્સાઓમાં કિશોરીઓને શોધી તેમના વાલી સાથે પુનર્મિલન કરાવવામાં પોલીસને સફળતા મળી છે. આ પ્રમાણ પહેલા ૭૫ ટકા જેટલું હતું.
જિલ્લા પોલીસ તંત્ર આગામી શૈક્ષણિક સત્રના પ્રારંભે આ માટે શાળા કક્ષાએ ખાસ પ્રકારનું અભિયાન ચલાવી કિશોરીઓને જાગૃત કરવાનું છે. આ ઉપરાંત, સ્વરક્ષણની પણ યુવતીઓને આપવામાં આવે છે.
મહિલા સશક્તિકરણ અંગે એક સુંદર વાત કરતા એસપી શ્રી જોયસર કહે છે, નારીને નબળી માનવાનો ખ્યાલ પુરુષોએ પોતાના મનમાંથી કાઢવો પડશે. બંધારણે તમામને સમાન અધિકાર આપ્યા છે. હવે, તો આર્મીમાં પણ મહિલાઓને કમાન્ડિંગ પોસ્ટ મળવાની છે, ત્યારે પોલીસ તંત્રની મહિલા પોલીસ કેવી રીતે પાછળ રહે ?
દાહોદમાં મહિલાઓ સાથે થતાં ઘરેલું હિંસાની બાબતો માટે અલાયદુ પોલીસ સ્ટેશન કાર્યરત છે. તેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત સુશ્રી કે. આર. વ્યાસ કહે છે, અમારા પોલીસ સ્ટેશનમાં કુલ ૨૦નો સ્ટાફ છે, તમામ કર્મચારીઓ મહિલા છે. જેની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી હોય છે. અમે એક પરિવારની જેમ કામ કરીએ છે.
મહિલા પોલીસ સ્ટેશનમાં કામ કરતી કર્મયોગિનીઓ પ્રોફેશન અને પર્સનલ લાઇફ સારી રીતે બેલેન્સ રાખી શકે છે. એની એક ઉદાહરણ જોઇએ તો અહીં કામ કરતી કુલ ૬ પોલીસકર્મીઓને એકથી દોઢ વર્ષના બાળકો છે. પોતાના પરિવારના સહયોગથી તેઓ પોતાની ફરજ સારી રીતે બજાવી શકે છે. આ નારીશક્તિનું જ્વલંત ઉદાહરણ છે.
દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં આવતી રાવ ઉપર પહેલા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે છે. જેમા અરજદારને રૂબરૂ મળી, તેની હકીકત તપાસી વિભાગીય પોલીસ અધિકારીની મંજૂરી બાદ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આવી ફરિયાદોમાં મોટા ભાગે ઘરેલું હિંસાની હોય છે.
મહિલા પોલીસ સ્ટેશનમાં આવતી કુલ અરજીઓ પૈકી પચાસ ટકા જેટલી એવી મહિલાઓની અરજીઓ હોય છે કે જેને સંતાન નાનુ હોય ! પણ, મહિલા પોલીસ અધિકારીઓ પોતાની સૂઝબૂઝથી તેમાં સમાધાન કરાવવાના પ્રયત્નો કરે છે. પોલીસ તંત્રનો પ્રયાસ એવો હોય છે કે, કોઇ પરિવાર ના તૂટવો જોઇએ.
એક રસપ્રદ બાબત એ છે કે, ઉક્ત કેસોમાં ૯૯ ટકા કિસ્સામાં મહિલા પોલીસ સમાધાન કરાવવામાં સફળ રહે છે. દાહોદ મહિલા પોલીસ સ્ટેશનની આ બાબત સરાહનીય છે. એક મહિલા તરીકે બીજી પીડિત મહિલાનું દુઃખ સારી રીતે સમજી શકે છે. સામાજિક પરંપરામાં ઝકડાયેલી મહિલાઓને તેમના અધિકારીઓ અપાવવામાં મહિલા પોલીસ પાછી પાની કરતી નથી. મહિલા પોલીસ સ્ટેશનમાં આવતી તમામ પીડિત મહિલાઓની એક દાસ્તાન હોય છે.
આમ, હાર્ડ ફેસ એન્ડ સોફ્ટ હાર્ટ ધરાવતી દાહોદ પોલીસ તંત્રની મહિલા પોલીસ કર્મચારીઓ નારીશક્તિની પહેચાનરૂપ છે.