એસ્સાર એક્સપ્લોરેશનના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે બી સી ત્રિપાઠીની નિમણૂક
મોરેશિયસ, એસ્સાર ગ્લોબલ ફંડ લિમિટેડ (ઇજીએફએલ)ની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એસ્સાર કેપિટલ લિમિટેડ (ઇસીએલ)એ ઊર્જા ક્ષેત્રમાં પોતાના રોકાણની સ્ટ્રેટેજી અને વૃદ્ધિને આગળ વધારવા એસ્સાર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડ મોરેશિયસ (ઇઇપીએલએમ)ના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને એસ્સાર ઓઇલ યુકે લિમિટેડ (ઇઓયુકેએલ)નાં બોર્ડ મેમ્બર તરીકે શ્રી બી સી ત્રિપાઠીની નિમણૂક કરી છે.
ઇસીએલનાં ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં મુખ્ય ઊર્જા એસેટ ઇઇપીએલએમ અને ઇઓયુકેએલ છે, જે સંયુક્તપણે ઇજીએફએલનાં ઊર્જા ક્ષેત્રનાં રોકાણમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. શ્રી ત્રિપાઠીની નિમણૂક ઇજીએફએલનો ઊર્જા ક્ષેત્રમાં ફરી રસ જાગ્યો હોવાનો સંકેત છે. તેઓ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને આગળ વધારશે અને ઇજીએફએલને સ્ટ્રેટેજિક દિશા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
દાયકાથી વધારે સમય સુધી ગેઇલ (ઇન્ડિયા) ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રહેલા શ્રી ત્રિપાઠી દેશમાં ઊર્જા ક્ષેત્રનાં ટોચનાં સ્ટ્રેટેજિસ્ટ પૈકીનાં એક ગણાય છે. તેમણે ગેઇલને એકથી વધારે એસેટ ધરાવતી બહુરાષ્ટ્રીય પોર્ટફોલિયો કંપની બનાવવાનો શ્રેય જાય છે.
એસ્સાર કેપિટલનાં ડાયરેક્ટર શ્રી પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કે, “શ્રી ત્રિપાઠી ઊર્જા ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતી કુશળ વ્યક્તિ છે. અમારી લીડરશિપ ટીમમાં તેમનો સમાવેશ થવો અમારા માટે ગર્વની વાત છે. ભારતના ઊર્જા ક્ષેત્રમાં એમનો ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ ઇજીએફએલને વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર કરવામાં મદદરૂપ થશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા ક્ષેત્રમાં અમારા રોકાણનાં મૂલ્યમાં નોંધપાત્ર વધારો કરશે.”
પોતાની નિમણૂક પર શ્રી ત્રિપાઠીએ કહ્યું હતું કે, “ઇજીએફએલ એકમાત્ર ભારતીય ફંડ છે, જેણે હાઇડ્રોકાર્બનની સંપૂર્ણ વેલ્યુ ચેઇનમાં રોકાણ કર્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અપસ્ટ્રીમ એક્સપ્લોરેશન અને ઉત્પાદન, મિડસ્ટ્રીમ રિફાઇનિંગ અને ડાઉનસ્ટ્રીમ રિટેલ કામગીરી સામેલ છે. હું ભારતનાં ઓઇલ અને ગેસના અર્થતંત્રનાં ભવિષ્યને દિશા આપવા આતુર છું, જેમાં એસ્સાર મહત્ત્વપૂર્ણ કંપની તરીકે સ્થાન જાળવી રાખશે.”