કુમકુમ મંદિર ખાતે બોર્ડના વિદ્યાર્થીઓને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યા
ભયને ભગાડી નિર્ભય રહીને પરીક્ષા આપો- હતાશાને હઠાવી,હસતાં રહી,ભગવાનને સાથે રાખીને પરીક્ષા આપો – સાધુ પ્રેમવત્સલદાસજી
તા. ૫ માર્ચથી બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થતો હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર ખાતે ધો. ૧૦ અને ૧ર ના વિદ્યાર્થીઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ પ્રાર્થના કરીને આરતી ઉતારી હતી.
મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓ ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા વર્ષે અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ પાઠવી શુભેચ્છા કાર્ડ અર્પણ કર્યા હતા. અને પરીક્ષામાં લખવા માટે પેન અર્પણ કરી હતી.
કુમકુમ મંદિર દ્રારા વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા ૬૦૦૦ થી વધુ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ભયને ભગાડી નિર્ભય રહેવું જોઈએ અને હિંમત રાખી હસતા રહેવું જોઈએ. પરીક્ષાનો ડર કાઢી નાંખવો જોઈએ. ચિંતા છોડી ભગવાનનું ચિંતવન કરશો તો ભગવાન અવશ્ય સહાય કરશે. તમારી સાથે ભગવાન છે તે તમને અવશ્ય સફળતા અપાવશે જ એવી હિંમત રાખીને પરીક્ષા આપજો.
ઉનાળાના સમયમાં રણમાં ઝાંઝવાના નીર કહેતાં પાણી આપણને દેખાય છે,વાસ્તવિક તે પાણી હોતું નથી પણ દેખાય છે, તો વિદ્યાર્થી મિત્રો તમારામાં તો પાણી છે, તે તમારે પરીક્ષામાં દેખાડવાનું છે., તમે વર્ષ દરમ્યાન મહેનત કરી છે તો હવે તો પરીક્ષામાં હિંમત રાખીને પાણી છે તો દેખાડી દો, ઢીલા ના પડશો.
વિદ્યાર્થીઓ મહેનત કરીને અવશ્ય ભણવું જ જોઈએ, સારા માર્કસ લાવવા જ જોઈએ, તો જ તમે સફળ થશો, એ વાત સાચી છે, પરંતુ એનો એ અર્થ નથી કે, એકાદ પરીક્ષામાં તમારા માર્કસ ઓછા આવે કે, કદાચ ફેલ થઈ જાવ, એટલે તમે જીંદગીનો જંગ હારી ગયા, એવું નથી.તેથી હિંમત રાખીને, પરીક્ષા આપો અને પરીણામની ચિંતા ના કરશો. તમારું અત્યારનું કર્તવ્ય છે કે, મહેનત કરીને, પરીક્ષા આપવી. બાકી બધું ભગવાન ઉપર છોડી દેવું, ભગવાન જે કરશે, તે સારું કરશે.
કોઈ પણ કાર્યની સિધ્ધ માટે બે હાથની જરુર પડે છે તેમ કોઈ પણ કાર્યની સફળતા પ્રાપ્ત કરવા માટે પુરુષપ્રયત્ન અને ઈશ્વરકૃપાની જરુર પડે છે.શ્રી સ્વામિનારાયણ ભગવાન તમને પરીક્ષામાં લખવા માટે દિવ્ય બળ – બુધ્ધિ અને શકિત અર્પે. તમોએ વર્ષ દરમ્યાન મહેનત કરી છે તેનું તમને યોગ્ય ફળ આપે એવી અમો પ્રાર્થના કરીએ છે.
સાધુ પ્રેમવત્સલદાસજીએ વિદ્યાર્થીના માતાપિતાને ને સંબોધતા કહયું હતું કે, જેમ વિદ્યાર્થીઓનું કર્તવ્ય છે કે,મહેનત કરીને પરીક્ષા આપવી,તેમ માતાપિતા અને વડીલોની પણ ફરજ છે કે, વિદ્યાર્થીઓેને પ્રોત્સાહન આપવું, તેને ખોટી ખોટી ચિંતા થાય, તેનો આત્મવિશ્વાસ ડગી જાય તેવી વાતો ના કરશો, પરંતુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરજો.