વિઝન ચાઇલ્ડ કેર, પલાણાની સ્કૂલના વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) નડીઆદ: અત્રેની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિઝન ચાઈલ્ડ કેર પલાણા સ્કૂલમાં શનિવારના રોજ વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ વાર્ષિકોત્સવ સમારોહમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાંથી શાળાના ૧૩પ જેટલા બાળકોએ જીવનમાં પ્રથમવાર આટલા માનવ મહેરામણની સામે સ્ટેજ પર્ફોમન્સ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો બ્ર.કુ. તરુબહેન, વસો તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા ગુ.રા. માધ્યમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના હસ્તે મંગલ દિપપ્રાગટયથી કરવામાં આવી.
શાળાએ આ પ્રસંગે કારગીલ યુધ્ધમાં ભાગ લઈ શૌય બતાવનાર ગામના બે બીએસએફ જવાનોને સ્મૃતિ ચિન્હ આપી બીરદાવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન પ્રવતમાન કોરોના વાઈરસથી મૃત્યુ પામેલાઓની સદગતી માટે બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું. ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમામ વાલીમિત્રો રાત્રે ૧૦ વાગે કાર્યક્રમની પૂર્ણાહુતી સુધી ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.*