મહીસાગર જિલ્લા કક્ષાનો “મારો જિલ્લો – બાળલગ્ન મુક્ત અને બાળ મજૂરી મુક્ત” અંતર્ગત એક દિવસીય સેમિનાર યોજાયો
લુણાવાડા: મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, મહીસાગર અને ગોધરા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મારો જિલ્લો – બાળલગ્ન મુકત અને બાળ મજૂરી મુકત અંતર્ગત જિલ્લા કક્ષાનો એક દિવસીય વર્કશોપ લુણાવાડા રાજપુત સમાજની વાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી આર.બી.બારડ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીની વિશેષ ઉપસ્થિતિમાં મંગલદીપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમના પ્રારંભમાં મદદનીશ શ્રમઆયુક્તશ્રી એમ.એચ.પટેલે શાબ્દીક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા.
આ વર્કશોપને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રીએ આજ ના આધુનિક યુગમાં હજુ પણ કેટલાક સમાજમાં બાળ લગ્ન થઇ રહ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરી આ સમાજમાં જાગૃતિની વિશેષ જરૂરીયાત પર ભાર મુકતા કુરીવાજો માંથી બહાર લાવી મુખ્ય પ્રવાહમાં જોડવા અનુરોધ કર્યો હતો. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ગત છ માસમાં જિલ્લામાં ૨૨ બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી છે.
આ કાર્યક્રમને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ બાળ અધિકારના કાયદાઓનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને મહીસાગર જિલ્લો – બાળલગ્ન મુકત અને બાળ મજૂરી મુકત બને તેમાં આ સેમિનાર ઉપયોગી પુરવાર થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ વર્કશોપમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનીયમ-૨૦૦૬, બાળ અને તરૂણ શ્રમિક (પ્રતિબંધ અને નિયમન-૧૯૮૬)નો સાર, જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ અને ગુજરાત રૂલ્સ -૨૦૧૯ અને બાળ અધિકારો અંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી નીરવ પંડ્યા, લીગલ કમ પ્રોબેશન ઓફિસરશ્રી એ.જી.કુરેશી અને શ્રી સતીશભાઇ પરમાર, શ્રમ અધિકારીશ્રી તેજશભાઇ પંડ્યા અને ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ પટેલે ઉપસ્થિત ૧૮૧ મહિલા હેલ્પ લાઇન, નારી અદાલત, સખી વન સ્ટોપ, સુરક્ષા સેતુ સોસાયટી સહિત વિવિધ સંસ્થાઓ, અગ્રણીઓ, મહિલાઓને બાળ અધિકારોના કાયદાની ઉપયોગી માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કાર્યક્રમમાં આભાર વિધિ સુરક્ષા અધિકારીશ્રી હિતેશભાઇ પારગી અને કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઇ જાનીએ કર્યું હતું.