નર્મદા યોજના દ્વારા રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે UTPL પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે : નીતિનભાઇ પટેલ
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરુ પાડવા રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના દ્વારા તમામ ફેઝમાં UTPL પાઇપલાઇન દ્વારા પિયત માટે પાણી પૂરુ પાડવામાં આવી રહ્યું છે.
આજે વિધાનસભા ખાતે ડભોઇ તાલુકાની પોર શાખામાંથી માઇનોર દ્વારા પૂરા પાડેલ સિંચાઈના પાણી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે કહ્યું કે, નર્મદા યોજના દ્વારા અંદાજે 16 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પાક માટે ધારાસભ્ય તથા ખેડૂત આગેવાનો દ્વારા જ્યારે જ્યારે માંગણી કરવામાં આવે ત્યારે ત્યારે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા પિયત માટે પાણી આપવામાં આવે છે અને આગામી સમયમાં પણ આપવાનું આયોજન છે. અંગુઠણ માઇનોરની મેઇન કેનાલ ૬ કિલોમીટર છે. તેમાંથી આઠ સબ માઈનોર દ્વારા પાણી અપાય છે. જેના દ્વારા 352 હેકટર વિસ્તારની સિંચાઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, નર્મદા યોજના શરૂ થઈ ત્યારથી ત્રણ ફેઝમાં સિંચાઈ સુવિધા આપવામાં આવી છે. ફેઝ-૧માં દક્ષિણથી શરૂ કરી વડોદરા, અમદાવાદનો અમુક વિસ્તાર તથા ફેઝ-૨માં અમદાવાદ સહિત, ફેઝ-૩માં બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, કચ્છ સુધી પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા યોજનામાં સિદ્ધાંત ટ્રિબ્યુનલમાં નક્કી થયા મુજબ નર્મદાનું પાણી જ્યાં જાય ત્યાં સિંચાઈ મંડળી સ્થાનિકકક્ષાએ બનાવીને કેનાલના રીપેરીંગ તથા પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી નિયત કરાઈ છે. પરંતુ જમીન સંપાદન માટે પડતી મુશ્કેલીઓ તથા ગેરકાયદેસર પાણી ઉપાડવાનું પ્રમાણ વધુ હોય ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળી રહે અને પાકનો બગાડ ન થાય એ માટે આ UTPL પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.