જામનગરની બિલ્ડીંગમાં આગ લાગતાં બાહોશ પોલિસ કર્મીએ 10 વિદ્યાર્થીઓને જીવના જોખમે બચાવ્યા
એલસીબીના પોલીસકર્મી અજયસિંહે દીવાલ પર ચઢી જઈ એકપછી એક દસ વિદ્યાર્થીઓને તેડીને નીચે ઉતારી લીધા હતાં.
જામનગર જામનગરના જી.જી. હોસ્પિટલ સામેના દાંડીયા હનુમાન મંદિરની બરાબર સામે આવેલી રાધેક્રિષ્ના એવન્યુ નામની ઈમારતમાં પ્રથમ માળે ચાલતા એક ક્લીનીકમાં મંગળવારે બપોરે શોર્ટસર્કીટના કારણે આગ ભભૂકી હતી. તેની બાજુમાં જ એક ટ્યુશન ક્લાસ ચાલુ હતો તેમાં હાજર વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે લોબીમાંથી નીચે ઉતરી જવું પડ્યું હતું. પોલીસ અને અન્ય લોકોની મદદથી કરાયેલી રેસ્ક્યુ કામગીરીના કારણે વિદ્યાર્થીઓના જીવ તો બચ્યા છે અને ફાયરબ્રિગેડના તાત્કાલીક આવી જવાથી આગ કાબૂમાં આવી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ સામેથી ગુરુદ્વારા તરફ જવાના માર્ગ પર આગળ જ એટલે કે દાંડીયા હનુમાન મંદિર સામે આવેલા રાધેકૃષ્ણ એવન્યૂ નામના બિલ્ડીંગના પ્રથમ માળે ડૉ. બત્રાનું ક્લિનીક આવેલું છે. તેમાં આજે બપોરે બારેક વાગ્યે શોર્ટ-સર્કિટ થવાના કારણે આગ ભભૂકી હતી. જોત-જોતામાં આગના લબકારા શરૃ થઈ ગયા હતાં. તેના પગલે પ્રથમ માળે આવેલા સુપર ગ્રેવિટી ક્લાસીસ નામના ટ્યુશન ક્લાસમાં હાજર વિદ્યાર્થીઓમાં તેમજ તે ઈમારતમાં ઓફિસો ધરાવતા આસામીઓમાં નાસભાગ મચી હતી.
આગ લાગ્યાની કોઈએ ફાયરબ્રિગેડને કોઈએ જાણ કરતા ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈના વડપણ હેઠળ ફાયરનો કાફલો બે બંબા સાથે દોડી ગયો હતો. ફાયરના જવાનોએ તાત્કાલીક પાણીનો મારો શરૃ કરી આગને બુઝાવવાની કામગીરી શરૃ કરી હતી જ્યારે સ્થળ પર આવી ગયેલા પોલીસ કાફલામાંથી એલસીબીના પોકો અજયસિંહ ઝાલા તથા ત્યાંના વેપારીઓએ બિલ્ડીંગની બહારની દીવાલ પર ચઢી સુપર ગ્રેવીટી ક્લાસીસમાં હાજર વિદ્યાર્થીઓને સહીસલામત નીચે ઉતારી લેવાની કામગીરી શરૃ કરી હતી. તેની સાથે જ અલગથી સીડી મૂકી વિદ્યાર્થીઓને નીચે ઉતારવામાં આવ્યા હતાં.
એલસીબીના પોલીસકર્મી અજયસિંહે દીવાલ પર ચઢી જઈ એકપછી એક દસ વિદ્યાર્થીઓને તેડીને નીચે ઉતારી લીધા હતાં. આગનું ખરૃં કારણ શોર્ટસર્કીટ જ છે કે અન્ય તે હવે બહાર આવશે પરંતુ સંપૂર્ણ રીતે ફાયર સેફ્ટી વગરની આ બિલ્ડીંગમાં ક્લીનીક ઉપરાંત બે ટ્યુશન ક્લાસ, અન્ય કેટલીક ઓફિસ તેમજ નીચેના ભાગમાં ખાણી-પીણીની દુકાનો પણ આવેલી છે. બપોરના સમયે જ્યારે તમામ સ્થળે લોકોની ભારે ચહેલપહેલ હોય છે ત્યારે જ આગ ભભૂકતા આ બનાવ ગંભીર બને તેવી આશંકા સેવાતી હતી અને સુરતના બનાવનું પુનરાવર્તન થાય તેવી ભીતિ હતી પરંતુ તાત્કાલીક શરૃ કરાયેલી રેસ્ક્યુ કામગીરીના કારણે જાનહાનિ કે અન્ય વધુ નુકસાની અટકાવી શકાઈ છે.
આગને બુઝાવવાની કામગીરી ક્રમશઃ આગળ ધપી રહી હતી તે દરમ્યાન સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ટોળા એકઠાં થઈ ગયા હતાં. અંદાજે એકાદ કલાકમાં ફાયરના જવાનોએ આગને કાબુમાં લઈ લીધી હતી. આગના કારણે ક્લીનીકનું ફર્નિચર સહિતનો માલસામાન સળગીને ખાખ થઈ ગયો હતો. તેમ છતાં સદ્દનસીબે જાનહાનિ અટકી હતી.
તેની પણ ખાસ ચકાસણી થઈ નથી ત્યારે આજના બનાવ ણછી ચીફ ફાયર ઓફિસરે આ બિલ્ડીંગમાં ફાયરસેફ્ટી વસાવવા અગાઉ નોટીસ આપી હોવાનો પોકળ ખુલાસો કર્યો છે. માત્ર નોટીસ આપી દેવાથી ફાયરબ્રિગેડની કામગીરી પૂર્ણ થઈ જાય છે? તેવો ગંભીર પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ફાયર ઓફિસરે આ બિલ્ડીંગમાં જ હવે ફાયરના સાધનો મૂકવામાં નહીં આવે તો આખી ઈમારત સીલ કરવાની ચિમકી પણ આપી છે. તે ચિમકી ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી છે.
એક તબક્કે જ્યારે આગના લબકારા ક્લીનીકમાંથી બહાર નીકળીને લોબીમાં દેખાતા હતાં ત્યારે પોતાના વ્હાલસોયા સંતાનો તે બિલ્ડીંગમાં ચાલતા ટ્યુશન ક્લાસમાં ગયા હોવાની જે માતા-પિતાને જાણ થઈ હતી તેઓ પણ ઉચ્ચક શ્વાસે દોડી આવ્યા હતાં. આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે ત્યારે આખરી તૈયારીઓમાં ઓતપ્રોત વિદ્યાર્થીઓ અચાનક આગ લાગતા પોતાના દફ્તર, મોબાઈલ, અન્ય સામાન મૂકી જીવ બચાવવા માટે લોબીમાંથી સીધા જ નીચે ઉતરી જવા માટે તલપાપડ બન્યા હતાં. પોલીસકર્મી અને અન્ય લોકોની મદદથી હાલમાં તો વિદ્યાર્થીઓના જીવ બચાવી શકાયા છે પરંતુ આવી રીતે નગરમાં કેટલીક ઈમારતોમાં ટ્યુશન ક્લાસ ચાલુ છે અને ત્યાં ફાયરસેફ્ટીના સાધનો છે તેની યુુદ્ધના ધોરણે ચકાસણી કરવી અત્યંત જરૃરી બની છે.