નાગરિકોની અપેક્ષા મુજબ જરૂરિયાતો પુરી કરવી એ અમારી પ્રાથમિક્તા ઉદ્યોગકારો જ્યાં પણ કહેશે ત્યાં જી.આઇ.ડી.સી. બનાવી આપવા રાજ્ય સરકાર તત્પર : નીતિનભાઇ પટેલ
આજે વિધાનસભા ખાતે અંદાજપત્રની વિવિધ વિભાગોની પૂરક માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે, વૈધાનિક પરંપરા મુજબ વિભાગવાર બજેટ મંજૂર થયા બાદ નાગરિકોને સહાયરૂપ થવા તથા આકસ્મિક સંજોગોમાં આપત્તિ સમયે મદદરૂપ થવા આ વધારાનો ખર્ચ કરાયો છે. તેમણે ઉમેર્યુ કે રાજ્યના યુવાનોને ઘરઆંગણે રોજગારી મળી રહે તેમજ ઉદ્યોગકારોને જરૂરિયાત મુજબનું માનવબળ મળી રહે એ માટે વિદ્યાર્થીઓને-યુવાઓને સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ આપીને તાલીમબદ્ધ પણ કરવાનું આયોજન છે. રાજ્યમાં ૫૦ ઉદ્યોગકારો ભેગા થઇને જી.આઇ.ડી.સી.ની માંગણી કરશે તો રાજ્ય સરકાર એ સંદર્ભે ચોક્કસ વિચારશે અને જી.આઇ.ડી.સી.માં મળતી સબસિડી અને લાભો સહિત આંતરમાળખાકીય સવલતોનું પણ નિર્માણ કરાશે.
શ્રી પટેલે ઉમેર્યુ કે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવાનું પણ અમારૂ આયોજન છે. આ માટે રૂા.૩૫૦૦ કરોડની દિનકર યોજના અમલી બનાવી છે જેમાં આ વર્ષે રૂા.૫૦૦ કરોડ ફાળવાયા છે. સાથે સાથે ગુણવત્તાયુક્ત વીજળી પુરી પાડવા માટે ખેડૂતોને વીજ જોડાણો આપીએ છીએ. જેમાં કનેક્શન દીઠ રૂા.૧.૨૫ થી રૂા. ૧.૫૦ લાખનો ખર્ચ થાય છે. વરસાદ ખેંચાય તેવી સ્થિતિમાં ખેડૂતોની માંગણી મુજબ ૧૦ કલાક જેટલી વીજળી પણ અમારી સરકારે પૂરી પાડી છે જેના માટે અંદાજે રૂા.૭૦૦૦/-કરોડ જેટલી સબસિડી પણ ખેડૂતોના હિતમાં વીજ કંપનીઓને ચૂકવી છે. રાજ્ય સરકારે બિન ઉપજાઉ જમીનોને સૌર અને પવન ઊર્જા માટે ઉપયોગ કરીને બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લામાં ૨૫ હજાર મેગાવોટ સોલાર અને પવન ઊર્જા નિર્માણનું લક્ષ્ય છે જેના થકી ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.
શ્રી પટેલે ઉમેર્યુ કે કુદરતી આપત્તિ સમયે નાગરિકો-ખેડૂતોને સહાયરૂપ અને રાહતો આપવા પણ અમારી સરકારે અનેકવિધ પગલાઓ લીધા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે નાના ખેડૂતોને જે નૂકસાન થયુ હતું તે જરૂરિયાત મુજબ વધારાનું વળતર પણ અમે આપ્યું છે.
શ્રી પટેલે ઉમેર્યુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના થકી ગરીબ પરિવારોને રાહત દરે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા ઘરનું ઘર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.