ચીન બાદ અમેરિકામાં કોરોનાનો પગપેસારોઃ ૬ના મોતઃ ૧૦૦ કેસ
નવી દિલ્હી, કોરોના વાયરસનો કહેર ચીનની સાથે સાથે દુનિયાના ૭૦ દેશોમાં ફેલાય ચૂકયો છે, પરંતુ હજુ સુધી આ વાયરસનો ઉપચાર મળ્યો નથી. અમેરિકામાં વધુ ૪ લોકોને આ વાયરસ ભરખી જતા મૃત્યુઆંક ૬ થયો છે. અમેરિકાના ૧૧ રાજ્યોમાં કોરોના વાયરસે દેખા દીધી છે. અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા કેસો નોંધાયેલ છે. જેમાં કેલીફોર્નિયા-૧૮, વોશિંગ્ટન ૧૮, ઈલીનોઈસ ૩, હોડઆઈલેન્ડ ૨, ફલોરીડા ૨, અરીઝોના ૧, ન્યુયોર્ક ૧, વીસકોન્સીંગ ૧, કૃઝશીપ ૪૫ વગેરેનો સમાવેશ થાય છે.
દરમિયાન ભારતના આગ્રામાં આ વાયરસના ૬ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
અમેરિકામાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા ૬ની થઈ છે. આ બધા મોત વોશિંગ્ટન રાજ્યમાં થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૬માંથી ૫ના મોત વોશિંગ્ટન રાજ્યના સૌથી ગીચ વસ્તીવાળા કિંગ કાઉન્ટી અને ૭ લાખથી વધુની વસ્તીવાળા સીએટલ શહેરમાં થયા છે.
કિંગ કાઉન્ટીમાં રોગીઓની સંખ્યા વધી શકે છે. અમેરિકી સરકારે પોતાના નાગરીકોને સલાહ આપી છે કે તેઓ દક્ષિણ કોરીયા અને ઈટાલી ન જાય. દરમિયાન ભારતમાં નોઈડા બાદ હવે આગ્રામા આ વાયરસના ૬ શંકાસ્પદ કેસ મળ્યા છે. આ એ લોકો છે જેઓ ઈટાલીથી આવેલ શખ્સના સંપર્કમાં આવ્યા હતા. આ શખ્સ કોરોના વાયરસથી સંક્રમિત હતો. હાલ આ છ લોકોને અલગ વોર્ડમાં રખાયા છે અને સેમ્પલ પૂણે મોકલાયા છે.
કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી શ્રી રામુલુએ જણાવ્યુ છે કે હૈદરાબાદની એક હોસ્પીટલમાં દાખલ સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવેલા બધા લોકો પર દેખરેખ રાખવામાં આવી રહી છે. દરમિયાન ભારતે ઈરાની નાગરીકોને જારી કરવામાં આવેલા વિઝા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ચીનથી પ્રસરેલો જીવલેણ કોરોના વાઇરસ હવે ધીરે ધીરે દુનિયાને પકડમાં લઇ રહ્યો છે. અનેક દેશોમાં આ વાઇસને કારણે લોકો મોતને ભેટ્યા છે.
અમેરિકામાં આ વાઇરસ અત્યાર સુધી ૬ લોકોને ભરખી ગયો છે. અમેરિકન ઉપ રાષ્ટ્રપ્રમુખ માઇક પેંસે કહ્યું કે આ વાઇરસની દવાઓ ઉનાળા સુધીમાં મળી શકશે. એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા માઇક પેંસે કહ્યું કે કોરોના વાઇરસનું વેકિસન વર્ષાંત સુધી કે આવતા વર્ષની શરૂઆત સુધીમાં ઉપલબ્ધ નહીં થાય પણ જે દર્દીઓ સંક્રમિત છે તેમને માટે ઉનાળા સુધીમાં દવાઓ મળે તેની તજવીજ કરાઇ રહી છે. અમેરિકામાં કોરોનાવાઇરસનાં એક દર્દી પર ગિલિએડ કંપની દવા રેમડેસિવિરનો ઉપયોગ કરાયો છે પણ તે બધું હાલમાં ચકાસણી રૂપે થઇ રહ્યું છે.
આ તરફ વિદેશી નાગરિકોને અમેરિકામાં આવવા પર પ્રતિબંધ મુકાય છે, અત્યાર સુધીમાં અમેરિકામાં કોરોના વાઇરસનાં ૪૬ કેસિઝ નોંધાયા છે. છેલ્લા પખવાડિયામાં ઇરાનનો પ્રવાસ કરીને આવેલા પ્રવાસીઓ અને વિદેશી નાગરિકો પર ટ્રમ્પે પ્રતિબંધ મુકયો છે દક્ષિણ કોરિયા અને ઇટાલીનાં અમુક હિસ્સાઓમાં અમેરિકન નાગરિકોએ પ્રવાસ ટાળવો તેવી અપીલ પણ કરી છે.
આ તરફ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમં મંગળવારે કોરોના વાઇરસનો વધુ એક દર્દી નોંધાયો અને આમ કુલ આંકડો પાંચે પહોંચ્યો છે. રોઇટર્સનાં રિપોર્ટ અનુસાર આ દર્દી ૪૫ વર્ષિય મહિલા છે જે બલિટ્સ્તાનનાં ઉત્ત્।રનાં પહાડોમાં વસે છે, તે થોડા દિવસ પહેલાં જ ઇરાનથી આવી છે. ગિલગિટ પાસેની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાનમાં મોટેભાગે જે લોકો ઇરાનથી પાછા ફર્યા છે તેમનામાં જ આ લક્ષણો જોવા મળ્યા છે. સોમવારે પહેલો કિસ્સો બહાર આવતા કરાચીમાં શાળા-કોલેજીઝ બંધ કરી દેવાયા છે.