સમાજમાં શાંતિ અને સદભાવ માટે કામ કરોઃ મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ હિતને પાર્ટી હિતથી ઉપર ગણાવતાં મંગળવારે કહ્યું કે વિકાસ આપણો મંત્ર છે અને વિકાસની પહેલી આવશ્યક્તા એકતા તથા સૌહાર્દ છે. તેથી તમામે સમાજમાં શાંતિ, સદ્ભાવ અને એકતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે વડાપ્રધાને બીજેપી સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા આ વાત કહી.
જોશીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને કહ્યું કે હજુ પણ કેટલીક પાર્ટીઓ દ્વારા પાર્ટી હિતોને રાષ્ટ્રીય હિતોથી વધુ ઉપર રાખવામાં આવે છે. બીજી તરફ સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાને સાંસદોને સંદેશ આપ્યો કે પાર્ટી હિત કરતાં દેશ હિત ઉપર છે. વડાપ્રધાને કહ્યું કે તમામ સાંસદોને સમાજમાં શાંતિ, સદ્ભાવ અને એકતા સુનિશ્ચિત કરવા માટે કામ કરવું જોઈએ.
સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાર્ટી હિતથી મોટો દેશ છે અને જો તેઓ ભારત માતા કી જય બોલે છે તો સવાલ ઉઠાવવામાં આવે છે. તેઓએ કહ્યું કે આપણે દેશ હિતની લડાઈ લડવાની છે, આપણે દેશહિતને મહત્વ આપવાનું છે, પાર્ટી હિતને પાછળ રાખવાનું છે.
સૂત્રો અનુસાર, પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોને ભારત માતા કી જય બોલવામાં તકલીફ પડે છે જે ખૂબ જ દુખદ છે. ભારતીય જનતા પાર્ટી સંસદીય પાર્ટીની બેઠક મંગળવારે યોજાયી જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત તમામ પાર્ટી સાંસદ ઉપસ્થિત હતા.