ICC ટેસ્ટ રેંકિંગમાં ભારત હજુય પ્રથમ ક્રમાંકે
દુબઈ: ન્યુઝીલેન્ડની સામે ટેસ્ટ શ્રેણીમાં સુપડા સાફ થઇ ગયા બાદ ભારતીય ટીમ આજે જારી કરવામાં આવેલી આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ સ્થાન પર અકબંધ છે પરંતુ ટીમ ઈન્ડિયાના હાલના દેખાવને લઇને ચારેબાજુ ટિકા થઇ રહી છે. ટેસ્ટ બેટ્સમેનોની રેંકિંગમાં વિરાટ કોહલી બીજા સ્થાન ઉપર છે. ભારતીય ટીમના નામે ૧૧૬ પોઇન્ટ છે.
બીજા સ્થાન પર પહેલી ન્યુઝીલેન્ડથી છ પોઇન્ટ વધારે છે. ઓસ્ટ્રેલિયા ૧૦૮ પોઇન્ટની સાથે ત્રીજા સ્થાને છે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમને પ્રથમ વખત કોઇ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આઈસીસી તરફથી જારી કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રેણીની ચાર ઇનિંગ્સમાં માત્ર ૩૮ રન બનાવનાર કોહલી બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને ફેંકાઈ ગયો છે. તે શ્રેણીથી પહેલા પ્રથમ સ્થાને હતો.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિત પ્રથમ સ્થાને પહોંચી ગયો હતો. હવે સ્ટિવ સ્મિથ કોહલી કરતા ૨૫ પોઇન્ટ આગળ છે. રેકિંગમાં ન્યુઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ટોપ બ્લેન્ડેડ, પૃથ્વી શાવ અને ઝડપી બોલર જેમીસનને સૌથી વધારે ફાયદો થયો છે. ક્રાઇસ્ટચર્ચમાં ૫૪ રનની ઇનિંગ્સ રમનાર પૃથ્વી શાવને ફાયદો થયો છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનને પણ નુકસાન થયું છે તે હવે ચોથા સ્થાને પહોંચ ગયો છે
જ્યારે ઓસ્ટ્રેલિયાના લાબુસેન ત્રીજા સ્થાને આવી ગયો છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ટોપટેનમાં જગ્યા મેળવવામાં સફળ રહ્યો છે જ્યારે મયંક અગ્રવાલ ૧૧માં સ્થાને ફેંકાઈ ગયો છે. ચેતેશ્વર પુજારા સાતમાં અને રહાણે નવમાં સ્થાને છે. બોલરોની યાદીમાં હાલમાં રમાયેલી શ્રેણીમાં શાનદાર દેખાવ કરનાર અને મેન ઓફ દ સિરિઝ જાહેર થયેલા સાઉથી ટોપ પાંચમાં પહોંચી ગયો છે. તે રેંકિંગમાં બે સ્થાનમાં સુધારો કરી શક્યો છે.
હવે તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. જસપ્રિત બુમરાહ અને ટેન્ટ બોલ્ટ ચાર-ચાર સ્થાનના સુધારા સાથે ક્રમશઃ ૭ અને ૯માં સ્થાને છે. બોલરોની યાદીમાં સૌથી વધારે લાભ ન્યુઝીલેન્ડના ઝડપી બોલર જેમિસનને થયો છે. જેમિસન ૪૩માં સ્થાનના સુધારા સાથે ૮૦માં ક્રમે પહોંચી ગયો છે. ઓલરાઉન્ડરોની યાદીમાં તે ૨૨માં સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં રવિન્દ્ર જાડેજા ત્રીજા અને અશ્વિન પાંચમાં સ્થાને છે.