નર્મદા જિલ્લાનાં ૭૧ ગામમાં બોર્ડની પરીક્ષા સુધી એકપણ લગ્ન નહીં યોજવાનો નિર્ણય
નર્મદા: જિલ્લાનાં ૭૧ આદિવાસી ગામોએ ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં ૭૧ ગામનાં લોકોએ ઠરાવ કર્યો છે કે, બોર્ડની પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી એકપણ લગ્ન પ્રસંગ નહીં થાય. મહત્વનું છે કે, ગત વર્ષે જિલ્લા શિક્ષણનું સ્તર ખૂબ નીચું રહ્યું હતું. જેના કારણે આદિવાસી આગેવાનોએ કેટલાક તારણો કાઢ્યા હતાં. જેમાં એક કારણ એવું પણ હતું કે, સમાજમાં લગ્ન પ્રસંગો બોર્ડની પરીક્ષા દરમિયાન આવતા હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. જેથી ૭૧ ગામોનાં લોકોએ પરીક્ષા સમયે લગ્નો રાખવાનું બંધ રાખ્યું છે. આ ઠરાવની અસરને પગલે હાલ ગામોમાં લગ્ન નથી થઇ રહ્યાં.
નર્મદા જિલ્લાનાં લોકોનું કહેવું છે કે, પરીક્ષામાં વિદ્યાર્થીઓને સારૂં પરિણામ ન મળતા તેઓ એક બે ટ્રાયલ આપે છે. અંતે કંટાળીને ભણવાનું છોડી દે છે અને મજૂરી કામમાં લાગી જાય છે. તેથી વિદ્યાર્થીઓને ભણવા તરફ વાળવા માટે બનતા પ્રયત્ન કરવા જોઇએ. આદિવાસી આગેવાન, વિક્રમભાઇ તડવીએ આ અંગે જણાવ્યું હતું કે, ‘ ગરુ઼ડેશ્વર તાલુકાનાં રહીશોએ ગયા વર્ષે એક જનરલ બેઠક કરી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, અત્યાર સુધી આપણે વિદ્યાર્થીઓની પરીક્ષા સમયે જ લગ્નનાં મુહર્ત કાઢતા હતાં.
જેના કારણે પરિવારનાં બાળકોનું ધ્યાન પરીક્ષામાં રહેવાને બદલે પ્રસંગોમાં જ રહેતું હતું. જેના કારણે પરિણામ પર અસર પડતી હતી. હવે અમારા ગામોએ નક્કી કર્યું છે કે, બોર્ડની પરીક્ષા સમયે લગ્ન રાખવા નહીં. આ વાતને સૌએ સહમતિ આપતા ગ્રામપંચાયતોએ ઠરાવ પાસ કર્યો છે. જેનાથી મોટી ક્રાંતિ આવી છે. આ વર્ષે પરીક્ષા સમયે લગ્ન ગોઢવ્યાં જ નથી હવે વેકેશનમાં જ લગ્ન પ્રસંગો રાખવામાં આવશે.’
‘ઠરાવ ક્રાંતિકારી છે’અન્ય એક આગેવાને આ અંગે જણાવ્યું કે, ‘બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ લગ્નોની મુશ્કેલી પડતી હતી.
આ વર્ષે પ્રતિબંધ ગોઠવાતા ૧૦૦ પરિણામ દેખાય છે. જોકે, આ ઠરાવ એક ક્રાંતિ કહેવાય. પણ જો સમાજ જાગૃત થયો હોય સરકારે પણ આદિવાસી સમાજનાં શિક્ષણ માટે ઉદાસીતા ન કરે. તથા શિક્ષકોની ભરતી કરે શાળાઓ મર્જ ના કરે. આદિવાસી જિલ્લામાં સત્ર પૂરું થયા પછી ચોપડાઓ આવે છે, શિક્ષણની પદ્ધતિઓ સુધારે અને સરકાર પણ મુહૂર્ત જોઈને પરીક્ષાઓ ગોઠવે. સમગ્ર સમાજે પહેલાથી મેં મહિનામાં જ લગ્નો ગોઠવ્યા છે.’