કુંઢેલી ગામ ખાતેથી તિર્થધામ દ્વારકા સુધી પદયાત્રાનો પ્રારંભ
સતત ૨૧ માં વર્ષે તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતેથી તિર્થધામ દ્વારકા સુધી પદયાત્રાનો આજથી સવાસો પૈદલ યાત્રીઓએ પ્રારંભ કર્યો છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બહેનો / ભાઈઓ સહીત ૧૨૫ શ્રધ્ધાળુ યાત્રાળુઓ એ જગત મંદીર દ્વારકા સુધીની સળંગ ૨૧ મી પગપાળા યાત્રા શરુ કરી ત્યારે સૌએ જય દ્વારકાધીશના જયનાદ સાથે શુભેચ્છા પાઠવી હતી.
પદયાત્રીઓ સતત ચાલતા રહી પદયાત્રાના માર્ગમાં આવતા તિર્થસ્થળો બગદાણા, તુલશીશ્યામ, દ્રોણેશ્વર, પ્રાચી, સોમનાથ, પોરબંદર, ગોરખમઢી, ભાલકાતિર્થ,નરવાઈ, માધવપુર, હરસિધ્ધિ માતાજી વિસાવાડા થઇને તેર દિવસે જગત મંદીર દ્વારકાના દર્શન કરશે. ભજન, ભોજન, સંકિર્તન અને સત્સંગ સાથે ની પદયાત્રાના યાત્રાળુઓ નાગેશ્વર, બેટ દ્વારકા, હનુમાન મઢી અને ચોર્યાશી ધુણા ના દર્શન કરી ધન્ય થશે.
નજીક ના ટાઢાવડ ગામના ભગત વજાભાઇ રામસંગભાઈ ચારડિયાની આગેવાની સાથે આજુબાજુના ટાઢાવડ, નેસવડ, ભાંખલ, લવરડા, પાનસડા, દિહોર, સરતાનપર, રેલીયા, રાતાખડા, કુંઢડા, હાજીપાર, પાંડેરિયા, નવાગામ, પાદરી, પીપરલા, મઢડા સહિતના ૧૫ ગામોના પદયાત્રી બહેનો-ભાઈઓ આ પદયાત્રામાં ભાવભેર જોડાયા છે.