મોટા ભાઈ મુકેશ અંબાણી તકલીફમાંથી બહાર કાઢવા અનિલ અંબાણીને વ્હારે આવ્યાં
મુંબઇ, દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના ભાઇ અનિલ અંબાણીની નાદાર થઇ ચૂકેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ખરીદવા જઇ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) માટેની સમાધાન યોજના અને રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે.
બેન્કોને આશા છે કે આ પ્લાનથી તેના રૂ.૨૩,૦૦૦ કરોડ પરત આવી જશે. અહેવાલો અનુસાર મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓએ આરકોમના ટાવર અને ફાઇબર બિઝનેસ (રિલાયન્સ ઇન્ફ્રાટેલ)ને ખરીદવા માટે રૂ.૪,૭૦૦ કરોડની ઓફર કરી છે.જ્યારે યુવી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીએ આરકોમ અને રિલાયન્સ ટે?લિકોમની એસેટ માટે રૂ.૧૪,૭૦૦ કરોડની બિડ ઓફર કરી છે. આરકોમે બાકી નીકળતા રૂ.૪,૩૦૦ કરોડ ઇન્ડિયન અને ચાઇનીઝ ક્રેડિટર્સને પ્રાથમિકતાના આધારે ચૂકવવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર એસબીઆઇએ આરકોમના રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. રેઝોલ્યુશન પ્લાનને લઇ કમિટી ઓફ ક્રેડિટર્સની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. આરકોમ પર રૂ.૩૩,૦૦૦ કરોડનું સિક્યોર્ડ દેવું છે અને ધીરધારોએ આ દેવું રૂ.૪૯,૦૦૦ કરોડ હોવાનો દાવો કર્યો છે. આરકોમે પોતાની એસેટ વેચીને દેવું ચૂકવવાની કોશિશ કરી હતી. આ માટે અનિલ અંબાણીએ રિલાયન્સ જિઓનો સંપર્ક કર્યો હતો કે જેના માલિક મુકેશ અંબાણી છે, જોકે કેટલાક કારણસર આ ડીલ થઇ શકી નહોતી. ત્યારબાદ રિલાયન્સ ?જિઓએ આરકોમની એસેટ ખરીદવા નિર્ણય કરી લીધો હતો. કમિટી ઓફ ક્રેડિટર્સની બેઠકમાં આરકોમ સમાધાન યોજનાની તરફેણમાં મતદાન કરાશે અને આ અંગે મતદાન શરૂ થઇ ગયું છે અને આજે તેની પ્રક્રિયા પૂરી થશે.