શાંતિપૂર્ણ માહોલમાં રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
અમદાવાદ: વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનારી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. વિદ્યાર્થીકાળ દરમિયાન સૌ પ્રથમ વખત ધો.૧૦ની બોર્ડની પરીક્ષા આવતી હોવાથી વિદ્યાર્થીઓમાં કોઈ ડર ન રહે અને મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સતત પ્રયાસો કરવામાં આવતાં હોય છે. આજે સવારે ધો.૧૦ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર ઉપર આવી પહોંચ્યા ત્યારે શિક્ષકો તથા શાળાના ટ્રસ્ટીઓ દ્વારા ગુલાબ અર્પણ કરી તેઓને આવકારવામાં આવ્યા હતાં અને તમામ વિદ્યાર્થીઓને શાંત ચિત્તે પરીક્ષા આપવાની સલાહ આપવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિઓ ન થાય તે માટે તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યાં છે અને તેનાં દ્વારા ગાંધીનગરમાંથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. આ બંને પરીક્ષાઓમાં કુલ ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સવારે ૧૦ વાગ્યાથી ધો.૧૦ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જ્યારે બપોરે ધો.૧૨ની પરીક્ષા લેવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. પરીક્ષાના નિર્ધારીત સમય કરતાં અર્ધાે કલાક પહેલાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જવા આદેશ અપાયો હતો.
આજે સવારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતાં ધો.૧૦નાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જાવા મળતો હતો અને પરીક્ષા કેન્દ્રની બહાર વાલીઓ સાથે વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતાં. તમામ સ્કૂલોમાં ધો.૧૦નાં વિદ્યાર્થીઓનાં આવકારવામાં આવ્યા હતાં. શિક્ષકો તથા શાળાના ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી મુક્તપણે પરીક્ષા આપવાની સલાહ આપવામાં આવી હતી. રાજ્યમાં કુલ ૧૫,૭૮૭ કેન્દ્રો ઉપરથી બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે.
ગાંધીનગર શહેરમાં આવેલી શેઠ સી.એમ. હાઇસ્કુલ ખાતે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અને સ્વામિનારાયણ હાઇસ્કુલ ખાતે મહિલા અને બાળ મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ બાળકોને ગુલાબનું ફૂલ, સાકર અને ચોકલેટ આપી હતી.
આજે ધો.૧૦માં મુખ્ય ભાષાનું પેપર છે. સવારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓના હાથમાં મુખ્ય ભાષાનું પેપર આવતાં ખુશીની લહેર જાવા મળતી હતી. પેપર પ્રમાણમાં સહેલુ હોવાથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ જાવા મળતાં હતાં. બોર્ડ દ્વારા પરીક્ષા દરમ્યાન ગેરરીતિ ન થાય તે માટે તમામ કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે. રાજ્યભરમાં તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર સીસીટીવી કેમેરા લગાડી દીધાં છે. અને ગાંધીનગરમાં બનાવવામાં આવેલાં કંટ્રોલ રૂમ મારફતે રાજ્યભરનાં પરીક્ષા કેન્દ્રો ઉપર નજર રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત ૮૦ જેટલી સ્પેશ્યલ સ્કવોડ બનાવવામાં આવી છે. આ સ્કવોર્ડ રાજ્યભરમાં તપાસ કરી શકે છે. આજે સવારે રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગર ખાતે સ્કૂલમાં પહોંચી ગયા હતા અને ત્યાં ધો.૧૦નાં વિદ્યાર્થીઓને આવકાર્યા હતાં. વિદ્યાર્થીઓ સાથે તેમણે ચર્ચા પણ કરી હતી. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પરીક્ષાનાં પ્રારંભ પૂર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.