સરદાર પ્રતિમાને જોડતા હાઇવે પર ગુમાનદેવ પાસે તંત્ર દ્વારા થીંગડા મારવાનું શરૂ કરવામાં આવ્યું
રાણીપુરા અને નાનાસાંજા ગામની જિલ્લા કલેટરની રાત્રી સભામાં થયેલ રજુઆત રંગ લાવી !- સ્થાનિકોના રોજિંદા કકળાટ બાદ સમારકામ હાથ ધરાતા સ્થાનિકો મુસાફરોમાં હાશકારો.
ભરૂચ:ઝઘડિયા પંથકમાંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા ફોરલેન હાઈવેની મૂળમાંથીજ કેટલાક સ્થળોએ કામગીરી અધૂરી પડી છે. છેલ્લા કેટલા વર્ષોથી સરદાર પ્રતિમાના પ્રવાસીઓ અને સ્થાનિકો હાડમારી નો સામનો કરી રહ્યા છે. સમારકામ માટે સેંકડો વખતની રજૂઆત બાદ આજરોજથી થીંગડા મારવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ઝઘડિયા પંથકમાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાના તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના કેટલાય દાખલાઓ છે. તંત્ર દ્વારા ખનીજ ખનન કરી રોયલ્ટીની તાલુકામાંથી સારામાં સારી આવક મેળવવી છે પરંતુ સુવિધાના નામ પર ફક્ત વાતોજ કરવી છે. તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા ફોરલેન હાઇવે ની કામગીરી ગુમાનદેવ, ખડૉલી, રાજપારડી, ઉમલ્લા વિગેરે સ્થળોએ બાકી છે, ત્રણ તાલુકા ઝઘડિયા થી વાલિયા, નેત્રંગને જોડતા રોડની કામગીરી ૨૦૧૨ થી બંધ પડી છે, ધારોલી ગામથી જીઆઈડીસીને જોડતા ૮ કિમિ ના રોડ મરામતની કામગીરીની અસંખ્ય રજૂઆત બાદ પણ વર્ષોથી સમારકામ હાથ ધરવામાં આવતું નથી, નર્મદા મઢી કિનારે સંરક્ષણ દીવાલની કામગીરી અધૂરી છે, ઝઘડિયા મઢી ખાતે સ્મશાનની કામગીરી ખોરંભે પડી છે,
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા ફોરલેન હાઈવેની કામગીરી ઠેર ઠેર અધૂરી પડી છે. જે કોન્ટ્રાક્ટરને સરકાર દ્વારા કામ સોંપાયું હતું તે અધૂરી કામગીરી પૂર્ણ કર્યા વગર કોન્ટ્રાક્ટર કામ પડતું મૂકી ભાગી ગયો છે. અધૂરી કામગીરી અને જેટલો ફોરલેન બન્યો છે તેના સમારકામ નહિ થતા હોવાના કારણે સ્થાનિકો અને સરદાર પ્રતિમાના પ્રવાસીઓ ભારે હાડમારી ભોગવી રહ્યા છે પરંતુ સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્રને કઈ પડી જ નથી. અસંખ્ય રજૂઆતો બાદ પણ અધૂરી પડેલી કામગીરી કોન્ટ્રાક્ટર પાસે પુરી કરાવવા સરકાર અસમર્થ હોઈ તેમ જણાઈ રહ્યું છે અને આ સેંકડો કરોડોના કામમાં મોટાપાયે ભ્રસ્ટાચાર થયો હોવાની ગંધ આવી રહી છે.ઝઘડિયાના ગુમાનદેવ પાસે રોડની એટલી વિકટ પરિસ્થિતિ છે કે વાહન ક્યાં અને કેવી રીતે ચલાવવું તે સમજમાં આવે તેમ નથી. રાણીપુરા અને નાનાસાંજા ગામની જિલ્લા કલેટરની રાત્રી સભા માં થયેલ રજુઆત રંગ લાવી છે બંને ગામના ગ્રામજનોએ કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી હતી. રજૂઆત બાદ આજરોજ ગુમાનદેવ મંદિરથી રેલવે ફાટક સુધીના અત્યંત ખરાબ રોડ ના પડેલા ખાડાઓ પુરી થીંગડા મારવાનું કામ આજરોજ સ્ટેટ હાઇવે વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
હાલમાં ફક્ત ખાડાઓ પુરી થીંગડા મારવામાં આવશે હોળી પછી તેનું કાર્પેટિંગ કરવાની વાત સ્ટેટ હાઈવેના ઇજનેરે જણાવી હતી. ગુમાનદેવ થી રેલવે ફાટક પર કેટલોક રોડ અધૂરો છે એટલે વનવે હોઈ અને સમારકામની કામગીરી ચાલે છે જેથી ટ્રાફિક જામ સર્જાયો હતો, સામસામે આવેલા વાહનો પણ પસાર થઇ નહિ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેમ છતાં સ્થાનિક વાહન ચાલકોને હાશકારો હતોકે આજે ટ્રાફિક વેઠી લો પણ રોડનું સમારકામ થશે તો સમસ્યાનો અંત તો આવશે !