Western Times News

Gujarati News

IIT ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય પરિષદ દરમિયાન ઇકોલોજી વિશેના વિવિધ દ્રષ્ટિકોણો રજૂ થયા

ગાંધીનગર: ‘અફેક્ટ, એમ્બોડીમેંટ એન્ડ ઇકોલોજી: મલ્ટી-ડિસિપ્લિનરી પર્સ્પેક્ટીવ્સ’ (અસર, મૂર્ત સ્વરૂપ અને ઇકોલોજી: બહુ-શાખાકીય દ્રષ્ટિકોણો) વિષય પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું  ગઈકાલે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (આઈઆઈટી ગાંધીનગર) ખાતે સમાપન થયું. આ પરિષદમાં વિવિધ શાખાઓના દ્રષ્ટિકોણથી હ્યુમન્સ અને નોન-હ્યુમન્સમાં ભાવનાત્મક અસર, તેના મૂર્ત સ્વરૂપ અને ઇકોલોજી વચ્ચેના સંબંધને સમજવાની નવી રીતો પર ચર્ચા કરવામાં આવી હતી. ફીલોસોફી, માનસિક વિજ્ઞાન, ભાષાશાસ્ત્ર, નૃવંશવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, પર્યાવરણીય અભ્યાસ, સાહિત્ય અને ઇતિહાસ જેવા વિવિધ વિદ્યાશાખાના ફેકલ્ટી અને ડોક્ટરલ વિદ્યાર્થીઓએ વિવિધ સત્રો દ્વારા ઝડપથી બદલાતી પર્યાવરણીય પરિસ્થિતી પર વિવિધ પાસાઓ રજૂ કર્યા.

આ સંમેલનની શરૂઆત ૦૨ માર્ચ, ૨૦૨૦ના રોજ આઈઆઈટી ગાંધીનગરના આ પરિષદના આયોજકો પ્રોફેસર અંબિકા ઐયાદુરાઇ, પ્રોફેસર અર્કા ચટ્ટોપાધ્યાય અને પ્રોફેસર નિશાંત ચોક્સીએ કરી હતી. તેમણે આ પરિષદની પૃષ્ઠભૂમિ આપી હતી. ત્રણ દિવસ દરમિયાન ચાર વક્તાઓ દ્વારા આ પરિષદમાં ત્રણ કી-નોટ પ્રેઝન્ટેશન્સ હતા. પ્રથમ કી-નોટ ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક બાયરન દ્વારા “બીટવીન બોન, સ્ટોન એન્ડ વુડ: એમ્બોડીમેંટ, ઇકોલોજી અને સમકાલીન સાહિત્યમાં ભૌતિકવાદ” વિષય પર આપવામાં આવ્યું હતું.

પ્રોફેસર બાયરને તેમના વક્તવ્યમાં સમજાવ્યું કે કેવી રીતે પ્રજાતિઓનું લુપ્ત થવું, પ્રદૂષણ, આબોહવા પરિવર્તન વગેરે જેવા પર્યાવરણીય ફેરફારોએ ઊંડાણપૂર્વક સાહિત્યિક અભ્યાસની દિશાને ઘડી છે. તેમણે સેમ્યુઅલ બેકેટ્ટ, જ્હોન રસ્કિન, કોનરેડ માર્ટીન્સ અને રાલ્ફ વાલ્ડો ઇમર્સન જેવા લેખકો અને કવિઓની વિવિધ સાહિત્યિક કૃતિઓનો સંદર્ભ આપ્યો, જેમાં તેમણે ઇકોલોજી, આબોહવાની પરિસ્થિતિઓ વિશેની વિગત વર્ણવી છે અને તેનાથી વૈશ્વિક પ્રશ્નોની આપણી સમજણ પર કેવી અસર થાય છે.

“અભિવ્યક્તિ અને અસર: પ્રાકૃતિક લેન્ડસ્કેપ્સમાં રોજિંદા કાવ્યો” વિષય પરનું બીજું કી-નોટ જાપાનની ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર નાથન બડેનોચ અને ક્યોટોની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમનિટી એન્ડ નેચરના પ્રોફેસર તોશીકી ઓસાદાએ સંયુક્ત રીતે આપ્યું હતું. બંને વક્તાઓએ કુદરતી વાતાવરણના અનુભવમાં અભિવ્યક્તિ અને ભાવનાત્મક અસર વચ્ચેની કડીઓ આબેહૂબ વ્યક્ત કરી હતી. તેમણે પૂર્વીય ભારતની સાંતાલી ભાષા, ઝારખંડની મુન્દારી ભાષા અને તિબેટો-બર્મન ભાષા સીડાના ઉદાહરણો પૂરા પાડ્યા, તે ત્રણેય દક્ષિણ-એશિયન ભાષાઓમાં અભિવ્યક્તિની સામાન્ય લાક્ષણિકતા છે,

જેમાં એવા શબ્દો છે કે જે ‘કહેવા’ કરતાં ‘બતાવે’ છે, જેનાથી ભાષા બોલનારના વર્ણનને બળ મળે છે. તેઓએ સમજાવ્યું કે રોજિંદા વ્યવહારોમાં આ અભિવ્યક્તિસભર ભાષાનો ઉપયોગ કરવાથી થતી ભાવનાત્મક અસરમાં સ્વરૂપ, અર્થ અને લાગણી ફાળો આપે છે.

ત્રીજું અને અંતિમ કી-નોટ બેંગ્લોરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝના પ્રોફેસર  અનિન્દ્ય સિંહા દ્વારા “ઇથોસ, પેથોસ, લોગોઝ: અફેક્ટિવ એથોલોજિસ ઓફ પ્રાઇમેટ લાઇવ્સ” વિષય પર આપવામાં આવ્યું હતું. તેમણે ‘હાઇબ્રીડ જગ્યાઓ’ હાઈલાઈટ કરી હતી – જે પ્રાણીઓ અને મનુષ્ય બંને દ્વારા ઉપયોગ કરવામાં આવે છે – જેમાં એક ઘણીવાર બીજાને ઊંડાણથી અસર કરે છે. ત્યારબાદ, તેમણે બે પ્રાચીન જાતિઓ જે હજારો વર્ષોથી ભારતભરમાં શારીરિક અને ભાવનાત્મક નિકટતામાં જીવે છે

તેવા બોનેટ મકાક (બંદીપુર નેશનલ પાર્કના વાંદરા) અને મનુષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને નોન-હ્યુમન્સની ભાવનાત્મક અસરોના વિવિધ નિરીક્ષણોનાં ઉદાહરણો આપ્યા. તેમણે મકાકમાં જોવા મળતી વિવિધ સામાજિક વર્તણૂકો અંગે સમજાવ્યું, જેમ કે તેમનામાં સંવેદનાની અસર, આંતર-વ્યક્તિગત સંદેશાવ્યવહાર, મકાક સમાજમાં મિત્રતા અને પ્રાદેશિકતાની રચના, આંતર પ્રજાતિઓની અસર, માણસોને લક્ષ્યમાં રાખીને સંદેશાવ્યવહારના નવતર સ્વરૂપો, અને મકાક સાથેની મુલાકાતો અને બંને વચ્ચેના સંબંધો અંગે માણસો કેવી રીતે પ્રતિક્રિયા આપે છે.

આઇઆઇટી ગાંધીનગરની હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ શાખા દ્વારા આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ સોશિયલ સાયન્સ રીસર્ચ (આઇસીએસએસઆર) દ્વારા તેને કો-સ્પોન્સર કરાઈ હતી. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી; આઇઆઇએસઇઆર ભોપાલ; આઈઆઈટી મદ્રાસ; કર્ણાટક યુનિવર્સિટી; આઈઆઈટી ગાંધીનગર; યુનિવર્સિટી ઓફ લખનઉ; સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટી કોલકાતા; ઈંગ્લીશ એન્ડ ફોરેન લેંગ્વેજ યુનિવર્સિટી, હૈદરાબાદ; હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન, મુંબઇ; ડેક્કન કોલેજ, પુણે; જેવી ઘણી યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરતા ભારતના દસ જુદા જુદા રાજ્યોના સહભાગીઓએ આ પરિષદમાં ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.