ભરૂચ કોર્ટની સામેના ૨૫ એપાર્ટમેન્ટના ૫૦૦ પરિવારને જર્જરીત ઈમારત ઉતારી લેવા નોટિસ
નર્મદા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં તેમજ એપાર્ટમેન્ટના સ્લેબ ના પોપડા પડવાની ઘટના ના પગલે પાલિકાએ નોટિસ આપી..
ભરૂચ: ભરૂચ કોર્ટ સંકુલની સામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ૨૫ જેટલા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં ભરૂચ નગર પાલિકા દ્વારા ઈમારતોને સ્વૈચ્છિક ઉતારી લેવા અથવા મરામત કરવા માટે ૫૦૦ થી વધુ પરિવારને નોટિસ ફટકારતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો છે અને મુંઝવણ માં મુકાયા છે.
ભરૂચ નગર પાલિકા દ્વારા જર્જરિત મિલ્કત ધારકોને નોટિસ ફટકારી તાકીદ કરવામાં આવી છે.ત્યારે ભરૂચ કોર્ટની સામે આવેલ નર્મદા એપાર્ટમેન્ટ કે જે ગુજરાત હાઉસિંગ બોર્ડ સંચાલિત છે.જેમાં નર્મદા એપાર્ટમેન્ટની ૨૫ જેટલી ઈમારતો અત્યંત જર્જરિત થઈ જવા સાથે ઈમારત ના સ્લેબના પોપડા પણ પડી રહ્યા હોવાના પગલે જાનહાની થવાની સંભાવના હોવાના પગલે ભરૂચ નગર પાલિકા એ ૨૫ જેટલા જર્જરિત એપાર્ટમેન્ટોનો સર્વે કરી તમામ એપાર્ટમેન્ટના મિલ્કત ધારકોને ઈમારત ઉતારી લેવા અથવા અન્ય જગ્યાએ ખસી જવા માટે નોટિસ ફટકારી છે
એપાર્ટમેન્ટો અત્યંત જર્જરિત બનતા ભરૂચ નગરપાલિકા દ્વારા ૫૦૦ પરિવારના લોકોને મિલ્કત જર્જરિત સંબંધિત નોટિસો ફટકારી તાકીદ કરાઈ છે. ભરૂચ નગર પાલિકાના ચીફ ઓફિસર સંજય સોની એ જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ સંચાલિત નર્મદા એપાર્ટમેન્ટ ના ૫૦૦ પરિવાર જર્જરિત ઈમારતમાં વસવાટ કરે છે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે લોકોને સાવચેત કરવા માટે નોટિસ ફટકારી છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે પણ ચર્ચા વિચારણા ચાલુ છે.ભરૂચ નગરપાલિકા દ્વારા જર્જરિત ઈમારતોને નોટિસ આપી સાવચેત રહેવા સાથે તકેદારીના પગલા ના ભાગરૂપે સાવચેત કરાયા છે જર્જરીત ઈમારત માટે પણ સરકાર તરફથી લોન આપવામાં આવે છે મિલકત ધારકો આ યોજનાનો લાભ લઇ પોતાની જર્જરીત ઈમારત ની મરામત પણ કરાવી શકે છે.
નર્મદા એપાર્ટમેન્ટના રહીશોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભરૂચ નગર પાલિકા એ માત્ર નોટિસ આપી જર્જરીત ઈમારત માંથી નીકળી જવા તાકીદ કર્યા છે.પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડ નવા એપાર્ટમેન્ટ બનાવે ત્યાં સુધી ગરીબ અને મધ્યમ પરિવારના લોકો ક્યાં વસવાટ કરી શકે તે એક પ્રશ્ન ઊભો થતા મોંઘવારીના યુગમાં નવા એપાર્ટમેન્ટ તૈયાર થાય ત્યાં સુધી મિલ્કત ધારકોને માસિક ભાડુ ચૂકવવામાં આવે તેવી માગણી પણ કરી છે.અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જે મિલકતધારકોને ભરૂચ નગરપાલિકાએ નોટીસ આપી છે તે જર્જરિત ઇમારતના મકાનો ના પોપડા પડીને લોકો ઉપર પડ્યા પણ છે અને લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે ત્યારે નર્મદા એપાર્ટમેન્ટ ના જર્જરીત મકાનો અંગે ક્યારે કાર્યવાહી થાય છેટે જોવું રહ્યું.