ઓફિસમાં બેસીને કમર ‘તૂટી’ જાય છે? આ ઘરેલુ ઉપચાર આપશે રાહત!
આજકાલની સ્ટ્રેસ ભરેલી લાઇફસ્ટાઇલમાં ૧૦ થી ૧૨ કલાક કેટલીક વાર ઓફિસમાં કામ કરવું પડે છે. અને ત્યારે આ કાળી મજૂરી તમારી કમરની વાટ લગાવી દે છે. લાંબા સમય સુધી બેઠા રહેવાથી કમરની માંસપેશીઓમાં દુખાવો અનુભવાય છે. આ માટે સમયાંતરે ખુરશી છોડીને ચાલવું, થોડી કસરત જરૂરી છે. વળી કમરના દુખાવાના કારણે સ્વભાવ પણ ચીડયો બને છે. અને કામમાં મન પણ નથી લાગતું. ત્યારે આજે અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપચાર લાવ્યા છે જે તમારા આ દુખમાં તમને રાહત આપી શકે છે. જો કમરના દુખાવામાં શ્રેષ્ઠ તો ડોક્ટરી સલાહ અને કસરત જ રહેશે. પણ આ ઘરેલુ ઉપચાર પણ દુખાવો ઓછો કરવામાં મદદરૂપ થઇ શકે છે.
જો તમારી પીઠમાં દુખાવો થઇ રહ્યો છે તો તમે બોડી મસાજ કરાવી શકો છો. બજારમાં અનેક પ્રોફેશનલ મસાજ આપનારા લોકો હોય છે. ઘરે મસાજ માટે તે હળવા ગરમ તેલથી પીઠ પર હળવા હાથે મસાજ કરી રાહત મેળવી શકો છો
જો દુખાવો વધુ છે તો શેક લેવાથી પણ લાભ રહે છે. તમે ગરમ પાણીની ધાર ત્યાં લગાવી શકો છો. સાથે જ ગરમ પાણીની થેલી મૂકીને પણ સોજાને ઓછો કરી શકો છો. લસણથી પણ તમે પીઠનો દુખાવો ઓછો કરી શકો છો. આ માટે ૧૦ જેટલી લસણની કળીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તેલ સાથે મેળવીને કમર પર લગાવો. અને પછી ગરમ પાણીમાં રાખેલા ટુવાલને નીચવીને આ ભાગ પર મૂકો. અડધો કલાક પછી પેસ્ટને સાફ કરી લો. આમ કરવાથી પણ રાહત રહેશે.
કમરના દુખાવા માટે કસરત કરવી સૌથી વધુ સલાહ ભરેલ છે. ડોક્ટરી સલાહ લઇને કસરત કરો. અને સાથે જ રોજ ૨૦ મિનિટ ચાલવાનું રાખો. સાથે ખુરશી પર ટટ્ટાર બેસવાનો પ્રયાસ કરો. અને સમયાંતરે ખુરશી પરથી ઊભા થઇને ૨-૩ મિનિટ ચાલો અને પછી ફરી બેસો. નોંધ – કમરનો દુખાવો વધુ હોય તો ડોક્ટરની સલાહ લો.