ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા વધી
નવી દિલ્હી: ચીન અને દુનિયાના ૮૬ દેશોમાં ભારે આતંક મચાવી રહેલા કોરોના વાયરસનો ખતરો હવે ભારતમાં વધી ગયો છે. બુધવારના દિવસે એક દિવસમાં ૨૩ કેસો સપાટી પર આવ્યા બાદ આજે ગાઝિયાબાદમાં એક દર્દી પોઝિટીવ આવતા ભારતમા ંકુલ કેસોની સંખ્યા વધીને ૩૦ ઉપર પહોંચી ગઇ છે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને આજે પણ કોરોનાની ભારતમાં સ્થિતીને લઇને માહિતી આપી હતી. રાજ્યસભામાં કોરોના વાયરસ અંગે માહિતી આપતા હર્ષવર્ધને કહ્યુ હતુ કે સાવચેતીના તમામ પગલા અને એલર્ટ વચ્ચે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે ૧૨ મોટા વિમાનીમથક અને ૬૫ નાના બંદર પર સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે. ચોથી માર્ચ સુધી ૬૨૪૧ વિમાનોની સ્ક્રિનિંગ કરવામાં આવી ચુકી છે. કુલ ૬૧૧૧૬૭ યાત્રીઓની સ્ક્રીનિંગ કરવામાં આવી ચુકી છે. લોકો હાલ કોરોના પ્રભાવિત દેશની મુલાકાત ટાળે તેમ સરકાર અપીલ કરી રહી છે. દેશમાં ૧૮મી જાન્યુઆરીના દિવસથી જ ચકાસણી કરવામાં આવી રહી છે.
ચીન, જાપાન, સહિતના સૌથી વધારે અસરગ્રસ્ત દેશોના યાત્રીઓની ચકાસણી તો પહેલાથી જ કરવામાં આવી રહી હતી. હવે વિદેશથી આવતા તમામ યાત્રીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. હર્ષવર્ધને કહ્યુ હતુ કે એન૯૫ માસ્ક અને અન્ય ઉપકરણના નિકાસની પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં આવી રહી છે. અમે માર્ગદર્શન માટે ડબલ્યુએચઓના સંપર્કમાં છીએ. ઇરાનના તહેરાનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે ભારત સરકાર ઇરાનના સંપર્કમાં છે. ગુરૂગ્રામમાં ૧૪ શકમંદોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. દરમિયાન દિલ્હીમાં ૩૧મી માર્ચ સુધી તમામ પ્રાથમિક સ્કુલોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે આ અંગેની જાહેરાત દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા દ્વારા આપવામાં આવી હતી.
દુનિયાના ૮૬ દેશોમાં ભારે હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના ૩૦ પોઝિટીવ કેસ ભારતમા પણ નોંધાઇ ચુક્યા છે જેથી સમગ્ર દેશમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. નાગરિકોમાં વ્યાપક દહેશત દેખાઇ રહી છે. બિહારમાં ઇરાનથી પરત ફરેલા નવ લોકોમાં કોરોના વાયરસ હોવાની શંકા દેખાયા બાદ તમામને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. બિહારમાં ૪૮ લોકોના સેમ્પલમાં ટેસ્ટ કરવામાં આવ્યા બાદ પરિણામ આવી ચુક્યા છે. જેમાં ૪૪ નેગેટિવ આવતા તંત્રને રાહત થઇ છે.
ગોપાલગંજ અને આરામાં ઇરાનથી પરત ફરેલા નવ લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસને કાબુમાં લેવા માટે ભારતમા પણ તપાસ જારી છે. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા ૨૯ ઉપર પહોંચી ગઇ છે. આ ઉપરાંત કેટલાક કેસોના રિપોર્ટ હજુ આવ્યા નથી. ભારતમાં ૧૬ ઇટાલિયન સહિત ૩૦ પોઝિટિવ કેસો સપાટી પર આવ્યા છે. હવે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને યાત્રીઓની સ્ક્રિનિંગ ફરજિયાત કરી દેવામાં આવી છે.
હજુ સુધી માત્ર ૧૨ દેશોના નાગરિકોની સ્ક્રિનિંગ ફરજિયાત રાખવામાં આવી રહી હતી. ભારતમાં જે કુલ કેસો નોંધાયા છે તે પૈકી આગરામાં છ કેસ નોંધાયા છે. ૧૬ ઇટાલિયન નાગરિકો છે. અને તેમના ભારતીય ડ્રાઇવર સામેલ છે. કેરળમાં ત્રણ અને તેલંગણામાં એક કેસ નોંધાયો છે. કોરોના વાયરસના નવા મામલા સપાટી ઉપર આવ્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એડવાઈઝરી જારી કરીને ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા, જાપાનના એવા નાગરિકોને જારી નિયમિત વિઝા અથવા તો ઇ વિઝા સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.