અમદાવાદ મ્યુનિ. કમિશ્નરે ૪.૫ કરોડ રૂ.માં રોડ ભાડે આપ્યો
એક્ટની જાગવાઈના ખોટા અર્થઘટન કરીને ‘હેપ્પી સ્ટ્રીટ’માં વાહનો પર પ્રતિબંધઃ મ્યુનિસિપલ શાસકોએ અભ્યાસ કર્યા વિના જ મંજુરી આપી દીધી
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રજાની મિલકતો ગીરવે મુકવી, વેચાણ કરવા કે ભાડે આપવાની પ્રજા લગભગ કાયમી બની ગઈ છે. સાબરમતી રીવરફ્રન્ટના નિર્માણ સમયે ઉસ્માનપુરા ઝોનલ ઓફિસ, સરદાર પટેલ સ્ટેડીયમ સહિતની અનેક મિલકતો ગીરવે મુકવામાં આવી હતી. ટી.પી. સ્કીમમાં પ્રજાલક્ષી ડેવલપમેન્ટ માટે કપાતા થતાં પ્લોટના પણ વેચાણ થાય છે.
એવી જ રીતે રીઝર્વ પ્લોટ એક વર્ષ માટે ભાડે આપવા માટે પણ પાંચ વર્ષ પેહલાં ઠરાવ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નર અને શાસક પક્ષે ભાડે આપવાની મિલકતોમાં ‘જાહેર માર્ગ’ નો પણ સમાવેશ કર્યો છે. લા-ગાર્ડન ખાતે ડવલપ કરવામાં આવેલા ‘હેપ્પી સ્ટ્રીટ’ નામના ખાણીપીણી બજારના વેપારીઓને રોડ ભાડે આપવા નિર્ણય કર્યો છે. કમિશ્નરે કાયદાની કલમના ખોટા અર્થઘટન કરીને નાગરીકોને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યા હોવાના ખુલ્લેઆમ આક્ષેપો થઈ રહ્યા છે.
શહેરની ટ્રાફિક અને પાર્કિગ સમસ્યા હળવી કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોેરશને લા-ગાર્ડન ખાણીપીણી બજારને તોડી પાડ્યુ હતુ. ત્યારબાદ તે જ સ્થળે રૂ.૮.પ૦ કરોડના ખર્ચથી ‘હેપ્પી સ્ટ્રીટ’ ડેવલપ કરવામાં આવી છે. લગભગ એકાદ મહિના પહેલાં જ મુખ્યમંત્રીના હસ્તે ેહેપ્પી સ્ટ્રીટ’નું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.
સામાન્ય નાગરીકોને હાલાકી ન થાય એ માટે ‘હેપ્પી સ્ટ્રીટ’ મા પા‹કગ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. તથા ટેન્ડર પ્રક્રિયા બાદ તેના કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યા છે. ‘હેપ્પી સ્ટ્રીટ’માં ખાણીપીણીના વેપારીઓને ભાડેથી જગ્યા આપવામાં આવી છે. જે પેટે કોર્પોરેશને રૂ.૪.પ૦ કરોડની આવક થાય છે.
ખાણીપીણીના વેપારીઓને સાંજે ચાર વાગ્યાથી મધરાત એક વાગ્યા સુધી સદર જગ્યાનો ઉપયોગ કરે છે. જ્યારે નાગરીકો માટે સમયની કોઈપણ પાબંધી કરવામાં આવી નહોતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ નો ઉપયોગ નાગરીકો ગમે તે સમય દરમ્યાન કરી શકે છે. તથા કાયદામાં પણ તે અંગે પુરતી જાગવાઈઓ છે. મ્યુનિસિપલ કમિશ્નરે બીપીએમસી એક્ટના ખોટા અર્થઘટન કરીને વાહનચાલકો માટે હેપ્પી સ્ટ્રીટનો રોડ બંધ કરવા દરખાસ્ત રજુ કરી હતી જેને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન્ે સમજ્યા વિના જ મંજુરી આપી દીધી છે.
મ્યુનિસિપલ કમિશ્નરે તેમની દરખાસ્તમાં બીપીએમસી એક્ટની કલમ ર૦૮નો ઉલ્લેખ કર્યો છે. પરંતુ કલમ ર૦૮ના પેરા એ અને બી એમ બંન્નેનો ઉલ્લેખ કરવાનું ટાળ્યુ છે. કલમ ર૦૮ (એ) માં ‘કોઈને અગવડ ન થાય એ રીતે રોડના બંન્ને છેડા પર થાંથલા લગાવીને વાહન વ્યવહાર બંધ કરવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ કલમ ર૦૮- ના હેડીંગ શિર્ષક અને પેરા (બી) ને છુપાવવામાં આવ્યા છે.
બીપીએમસી એક્ટની કલમ ર૦૮માં જણાવ્યા અનુસાર ‘અમુક પ્રકારના વાહન-વ્યવહાર માટે સાર્વજનિક રસ્તા બંધ કરવાની સતા’ આપવામાં આવી છે. જ્યારે પેરા (બી)માં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે સાર્વજનિક રસ્તા પર બાંધકામ, બીજા વાહનો કે રાહદારીઓને નુકશાન થાય એવી શક્યતા હોય તો મોટી વસ્તુ ભરેલા વાહનો સંબંધી નિર્ણય લેવાની સતા કમિશ્નરને આપવામાં આવે છે. મતલબ કે રોડ પર કોઈ કામ ચાલી રહ્યા હોય, રોડ તૂટી જવાની શક્યતા હોય
તેમજ કુદરતી કે માનવ સર્જીત હોનારત સમયે નુકશાન થાય એવા સંજાગોમાં જ બીપીએમસી એક્ટની કલમ ર૦૮ મુજબ રોડ બંધ થઈ શકે છે. જેના માટે રોડની બંન્ને તરફ સહેલાઈથી દેખાય એવી રીતે નોટીસ લગાવવી જરૂરી છે.ે આમ,મ્યુનિસિપલ કમિશ્નરે કાયદાના ખોટા અર્થઘટન કરી, કાયદાનો અધુરો અમલ કરીને કે સતાનો દુરૂપયોગ કરીને ખાણીપીણીના વેપારીઓને રૂ.૪.પ૦ કરોડમાં રોડ ભાડે આપ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે
મ્યુનિસિપલ કોગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે વાહન વ્યવહાર માટે કોઈપણ રોડ કાયમી ધોરણે બંધ થઈ શકે નહીં. આ પ્રકારે રોડ બંધ કરવા માટે પોલીસ વિભાગની પરવાનગી અને જાહેરનામા જરૂરી છે. મ્યુનિસિપલ કમિશ્નર બીપીએમસી એક્ટની કલમ ર૦૮ મુજબ ‘હેપ્પી સ્ટ્રીટ’ નો રોડ બંધ કરતા હોય તો જનમાર્ગમાં પણ આ એક્ટનો જ અમલ શા માટે ન કર્યો? જનમાર્ગમાં પોલીસ જાહેરનામા મુજબ નાગરીકો માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નરે કલમ ર૦૮નું અર્થઘટન પણ ખોટી રીતે કર્યુ છે. સદ્દર કલમમાં ‘અમુક પ્રકારના વાહન વ્યવહાર માટે જાહેર માર્ગનો ઉપયોગ બંધ કરવાનો’ સ્પષ્ટ ઉલ્લેખ છે.
‘હેપ્પી સ્ટ્રીટમાં નાગરીકો વાહન પાર્ક કરવા જઈ શકે પરંતુ વાહન લઈને પસાર ન થઈ શકે એવા કાયદાને તઘલખી માનવામાં આવે છે. મ્યુનિસિપલ શાસકોએ પણ પૂર્ણ અભ્યાસ કર્યા વિના જ મંજુરી આપી હોય એમ લાગે છે. તેથી મ્યુનિસિપલ બોર્ડમાં આ પ્રકારના તઘલખી ઠરાવને મંજુર કરવામાં ન આવે તે જરૂરી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.