યસ બેંકની બહાર ખાતેદારોની લાઈનો લાગી
વાતાવરણ તંગ બનતા પોલીસ બોલાવવાની ફરજ પડીઃ યસ બેંકનાં તમામ એટીએમ સેન્ટરોને તાળાં મારી દેવાયા
(તસવીરો- જયેશ મોદી) અમદાવાદ: કેન્દ્ર સરકારે કાળા નાણાંને નાથવા માટે નાણાંકીય વ્યવહારો બેંકો મારફતે કરવા માટે સક્રિય પ્રયાસો કર્યા છે. જેનાં પરીણામે આજે દેશભરની બેંકોમાં કરોડો નવા ખાતા ખૂલી રહ્યાં છે અને મોટાભાગનાં નાગરીકો ઓનલાઈન ખરીદી કરતાં થયાં છે. આ પરિસ્થિતિમાં ગઈકાલે યશ બેંક પર રિઝર્વ બેંકે લાદેલા નિયંત્રણોથી રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે.
બેંકમાંથી નાણાં ઉપાડવા માટે અમદાવાદ શહેરમાં આવેલી તમામ શાખાઓની બહાર રોકાણકારોની લાંબી લાઈનો લાગી ગઈ છે. અને કેટલાંક સ્થળો પર તંગદિલી જાવા મળતાં પોલીસને બોલાવવાની ફરજ પડી છે. ચોંકાવનારી બાબત એ છે કે યસ બેંકનાં તમામ એટીએમ સેન્ટરોને તાળાં મારી દેવામાં આવ્યાં છે. આરબીઆઈએ લાદેલા નિયંત્રણોથી કેટલાંક રોકાણકારો બેંકની બહાર જ રોતાં જાવા મળ્યાં હતાં. સંખ્યાબંધ રોકાણકારોનાં આયોજનો ખોરવાઈ જતાં મુશ્કેલીમાં મુકાયા છે.
જેનાં પગલે કેન્દ્ર સરકાર તમામ બેંકોના ખાતાઓ પર નજર પણ રાખી રહી છે. ઈન્કમટેક્ષની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. દેશભરનાં નાગરીકો બેકીંગ સિસ્ટમથી વાકેફ થવા લાગ્યાં છે. આ દરમિયાનમાં છેલ્લાં ઘણાં સમયથી નાણાં મંત્રાલય દ્વારા બેંકોને મર્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે કેટલીક બેંકોએ ભંડોળ પણ આપવામાં આવ્યું છે.
બેંકોને મજબૂત બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ગઈકાલે રીઝર્વ બેંકે યશ બેંક ઉપર નિયંત્રણો લાદયાં છે. યસ બેંકનાં હિસાબોમાં કેટલાંક વાંધાજનક વ્યવહારો મળવા ઉપરાંત તેની એનપીએમાં સતત વધારો થતાં રીઝર્વ બેંક છેલ્લાં કેટલાંક દિવસોથી યસ બેંકનાં નાણાંકીય વ્યવહારો ઉપર નજર રાખતી હતી. આ દરમિયાનમાં ગઈકાલે રાત્રે આરબીઆઈએ નિયંત્રણો લાદી દેતાં દેશભરમાં યસ બેંકના ખાતેદારોમાં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી.
આજે સવારથી જ ખાતેદારો અમદાવાદ શહેરમાં આવેલી યસ બેંકની તમામ શાખાઓ ઉપર રૂપિયા ઉપાડવા માટે પહોંચી ગયા હતા. શહેરનાં સી.જી.રોડ, ઘી કાંટા, એસ.જી.હાઈવે, રીલીફ રોડ સહિતનાં વિસ્તારોમાં આવેલી યસ બેંકની શાખાઓ બહાર વહેલી સવારથી જ ખાતેદારોએ લાઈન લગાવી હતી. આરબીઆઈએ ગઈકાલે પ્રત્યેક ખાતેદારોને વધુમાં વધુ રૂ.૫૦,૦૦૦ મળશે તેવું નિર્ણય જાહેર કર્યું હતું. પરંતુ આજે સવારથી ખાતેદારોમાં રૂપિયા નહીં આવ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.
બેંકના ખાતેદારોમાં ભારે રોષા જાવા મળતો હતો. આ પરિસ્થિતિમાં ગઈકાલ સાંજથી જ યસ બેંકનાં તમામ એટીએમ સેન્ટરોને બેંક સત્તાવાળાઓ દ્વારા તાળાં મારી દેવામાં આવ્યાં હતા. જેનાં પગલે ખાતેદારોએ અન્ય એટીએમ સેન્ટરોમાં જઈ પોતાનાં કાર્ડ ઓપરેટ કરવાનો પ્રયાસ કર્યાે હતો. પરંતુ તેમના ખાતામાંથી એકપણ રૂપિયો નહીં નીકળતાં ભારે તંગદીલી જાવા મળી રહી હતી.
યસ બેંકના હિસાબમાં ગરબડોનાં કારણે લેવાયેલાં નિર્ણયનાં પગલે ખાતેદારો ભોગ બની રહ્યાં છે અને કેટલીક શાખાઓની બહાર રોકાણકારોએ બૂમાબૂમ કરી મૂકતાં વાતાવરણ તંગ બની ગયું હતું. બીજી બાજુ દરેક શાખાઓની બહાર પોલીસને તૈનાત કરી દેવાની ફરજ પડી છે.