રાજયમાં કમોસમી વરસાદ : પાકને નુકસાન
અમદાવાદ: દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથક સહિતના કેટલાક ભાગોમાં વિસ્તારોમાં આજે ચાલુ રહ્યો હતો. કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હજુ હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં આંશિક વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨૯ અને લઘુત્તમ તાપમાન ૧૯.૩ રહ્યું હતું. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહી શકે છે. ફરીએકવાર ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે.
આગામી ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થનાર નથી પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોની હાલત ભારે કફોડી બની છે. ખાસ કરીને ઘઉં, ચણા, જીરૂ, વરિયાળી સહિતના પાકને બહુ મોટાપાયે નુકસાની થઇ છે. તો, તાલાલામાં કેસર કેરીના પાકને પણ ભારે નુકસાની થઇ છે. બીજીબાજુ, શાકભાજીમાં પણ ડુંગળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજયમાં હજુ પણ ૧૨ કલાક સુધી રાજયના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે,
જેને લઇને રાજયના ખેડૂતઆલમમાં ફરી એકવાર મોટી ચિંતાની લાગણી પ્રસરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આજે સવારે સુરત, વલસાડ, નવસારી, તાલાલા, દીવ અને કોડીનારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હાલ પાક કાપણીનો સમય હોય ઘઉં, ઘાણા, ચણા સહિતનો તૈયાર પાક ખેડૂતોને ખેતરમાં હોવાથી નુકસાનની કફોડી સ્થિતિ બની છે.
ગઇકાલે સૌરાષ્ટ્રના ભાવનગર, દ્વારકા, માંગરોળ અને વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મોડીરાત્રે દીવ, ગીર સોમનાથ, કોડીનાર, તાલાલા, કોડીનાર સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતા કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો, જસદણ અને આટકોટ પંથકમાં ખેતરમાં પડેલા ઘઉં અને જીરૂનો પાક પલળતા ખેડૂતોની પડ્યા પર પાટા સમાન પરિસ્થિતિ સર્જાઇ છે. દીવમાં આજે વહેલી સવારે ચાર વાગ્યે વરસાદી ઝાપટુ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તાલાલા અને કોડીનાર પંથકમાં કેરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.