જિલ્લા રોજગાર કચેરી દ્વારા પાટણના ગાંધી સ્મૃતિ હૉલ ખાતે મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો

માહિતી બ્યુરો, પાટણ: પાટણના ગાંધી સ્મૃતિ હૉલ ખાતે મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો, જેમાં વિવિધ ક્ષેત્રના ૧૦ જેટલા નોકરીદાતાઓ દ્વારા ૨૭૮થી વધુ જગ્યાઓ માટે મહિલા રોજગારવાંચ્છુઓની પ્રાથમિક પસંદગી હાથ ધરવામાં આવી. જે પૈકી ૧૫૬ જેટલી મહિલા ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત વિચરતી અને વિમુક્ત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકશ્રી ડૉ.વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું કે, પુરૂષ પ્રધાન ગણાતા ભારતીય સમાજમાં આર્થિક રીતે પગભર થઈ મહિલાઓ સ્વમાનભેર જીવી શકે તે માટે મહિલાઓના શિક્ષણ અને રોજગારી માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો થઈ રહ્યા છે. મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે ત્યારે રોજગારી ક્ષેત્રે પણ આગળ આવે તે માટે આયોજીત આજના મહિલા રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં મહિલા રોજગારવાંચ્છુઓ ઉપસ્થિત છે તે આનંદની વાત છે. નોકરી ઉપરાંત સ્વરોજગાર માટે વ્યવસાયલક્ષી તાલીમની સાથે વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવે છે જેના થકી મહિલાઓ આત્મનિર્ભર થાય તે આવશ્યક છે.
મહિલા રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૧૮૦૦થી વધુ મહિલા રોજગારવાંચ્છુઓને ભરતી મેળામાં ભાગ લેવા કોલ લેટર મોકલવામાં આવ્યા હતા. સાથે સાથે ૭૦૦ જેટલી મહિલા રોજગારવાંચ્છુઓને એસ.એમ.એસ. તથા વોઈસ કોલ દ્વારા જાણ કરવામાં આવી હતી. પાટણ શહેર સિવાય બહારના તાલુકાઓમાંથી આવતી ૧૨૮૫ જેટલી મહિલા રોજગારવાંચ્છુઓને કોલ લેટરની સાથે એસ.ટી. બસની કુપન આપવામાં આવી હતી. જેથી તે મહિલા રોજગારવાંચ્છુઓ મુસાફરી ખર્ચ કર્યા વગર ભરતી મેળાના સ્થળે હાજર રહી શકે.
જિલ્લા રોજગાર અધિકારીશ્રી સી.બી. ચૌધરીએ જણાવ્યું કે, મહિલાઓની ક્ષમતાઓનો ઉપયોગ કરી રોજગારી ક્ષેત્રે મહિલાઓની સપ્રમાણ ભાગીદારી સુનિશ્વિત થાય તે માટે મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ લાયકાત, આવડત અને રૂચિ મુજબ અત્રે ઉપસ્થિત નોકરીદાતાઓને ઈન્ટરવ્યુ આપી સૌ સફળ થાઓ અથવા સ્વરોજગાર થકી પગભર થઈ રાજ્યના વિકાસમાં યોગદાન આપો તેવી શુભેચ્છા પાઠવું છું.
આ પ્રસંગે દેના ગ્રામીણ સ્વરોજગાર સંસ્થાના ફેકલ્ટીશ્રી મુકેશભાઈ ઠાકોરે સંસ્થામાં ચાલતી સ્વરોજગારલક્ષી તાલીમ, સ્વરોજગાર માટે આર્થિક રોકાણો અને તેમાં મળતી સહાય સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ફોર્મેશન સર્વિસીસના ડીસ્ટ્રીક્ટ મેનેજરશ્રી મુકેશભાઈ પટેલ તથા બ્રહ્મ સમાજના પ્રતિનિધીશ્રી દ્વારા રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અમલી વિવિધ યોજનાઓ અને સેવાઓ અંગે માહિતી પુરી પાડવામાં આવી.
વિશેષતઃ મહિલાઓ માટે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગીક્ષેત્રના ૧૦ નોકરીદાતા કંપનીઓ દ્વારા ટેલીકોલર, કોમ્પ્યુટર ઓપરેટર, કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ, ફિલ્ડ વર્કર, એકાઉન્ટન્ટ અને સેલ્સ મેનેજર સહિતની જગ્યાઓ માટે ૨૬૩ જેટલી મહિલા રોજગારવાંચ્છુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી ૧૫૬ મહિલા ઉમેદવારોની ઈન્ટરવ્યુ બાદ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
ગાંધી સ્મૃતિ હૉલના પ્રાંગણમાં દહેજ પ્રતિબંધક અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ-બેટી પઢાઓ અને સ્ત્રી ભૃણ હત્યા રોકો જેવા સામાજીક સંદેશ અંગે જાગૃતિ કેળવવા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. મહિલાઓને રોજગારી ક્ષેત્રે વિપુલ તકો પ્રાપ્ત થાય તે માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે પાટણના ગાંધી સ્મૃતિ હૉલ ખાતે યોજાયેલા મહિલા રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી રમીલાબેન રાઠોડ, જિલ્લા રોજગાર કચેરીના કર્મચારીશ્રીઓ, વિવિધ ક્ષેત્રની કંપનીના પ્રતિનિધીઓ અને મોટી સંખ્યામાં મહિલા રોજગારવાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા.