Western Times News

Gujarati News

મધ્ય પ્રદેશ સરકાર પર તોળાઈ રહેલું મોટું જોખમ

ભોપાલ: મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હરદીપ સિંહ ડંગ, બિસાહુલાલ સિંહ, અને રઘુરાજ સિંહ કંસાના ગુમ જોવા મળી રહ્યાં છે. એટલે કે તેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જેને લઈને મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહ સતત શોધ ચલાવી રહ્યાં છે. પરંતુ તેમની હજુ સુધી કોઈ ભાળ મળી શકી નથી. ખુરશી બચાવવાની કોશિશ કરી રહેલા મુખ્યમંત્રી કમલનાથ એક એક વિધાયકને મનાવવાની કોશિશ કરી રહ્યાં છે

પરંતુ લાગે છે કે વિધાયકો માનવાના મૂડમાં નથી. ગૃહમંત્રી અમિત શાહની સાથે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અનેક દોરની બેઠકો કરી. ધર્મેન્દ્ર પ્રધાન પણ મધ્ય પ્રદેશથી જ રાજ્યસભાના સભ્ય છે. બીજી બાજુ કમલનાથ, દિગ્વિજય સિંહ સહિત રાજકીય મામલાની સમિતિએ ભોપાલમાં સીએમ આવાસ પર ડેમેજ કંટ્રોલને લઈને શનિવારે રાતે એક બેઠક કરી.

કોંગ્રેસે લાપત્તા ૪ ધારાસભ્યોમાંથી અપક્ષ સુરેન્દ્રસિંહ શેરાને સાધવાની ભરપૂર કોશિશ કરી છે. અત્રે જણાવવાનું કે પોતાની સરકાર પડવાના ડરે કમલનાથ વિક્ટિમ કાર્ડ રમી રહ્યાં છે અને લોકોની સહાનુભૂતિ મેળવવાની સતત કોશિશ કરી રહ્યાં છે. તેમણે પોતાના પત્રમાં આરોપ લગાવ્યો કે ભાજપ ધનના જોરે સરકાર પાડવા માંગે છે. જો કે હજુ સુધી તો કમલનાથ એમ જ કહેતા હતાં કે સરકારને કોઈ ખતરો નથી. પરંતુ હવે પત્રના માધ્યમથી તેમણે પોતાની ખુરશી જવાના દર્દને રજુ કર્યું છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પોતાના તમામ કાર્યક્રમ રદ કરીને સરકાર બચાવવાની કોશિશમાં લાગ્યા છે. નોંધનીય છે કે કમલનાથ છીંદવાડાના પ્રવાસે જવાના હતાં. હાલ તેમણે આ પ્રવાસ રદ કર્યો છે અને ભોપાલમાં જ રહેવાનું નક્કી કર્યું છે. તેમણે પોતાના બે દિવસના તમામ કાર્યક્રમ રદ કર્યા છે. મુખ્યમંત્રી કમલનાથ સવારથી સાંજ સુધી બધાની સાથે બેઠકો કરી રહ્યાં છે.

તેમણે પોતાના વિશ્વાસુ મંત્રીઓ વિજયલક્ષ્મી સાધો, જીતુ પટવારી, પીસી શર્મા, સુખદેવ પાંસે, તરણ ભનોટ, પ્રદીપ જયસ્વાલ, હર્ષ યાદવ સાથે મુલાકાત કરીને રાજ્યની બદલાતી રાજકીય પરિસ્થિતિઓ પર ચર્ચા કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.