Western Times News

Gujarati News

રાજકોટ : પતિ-પત્નીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવી દીધું

Files Photo

અમદાવાદ: રાજકોટ શહેરના મોરબી રોડ પર રાજમોતી સોસાયટીમાં રહેતા અશોકભાઇ પાંભર અને તેની પત્ની પ્રભાબેને આર્થિક સંકડામણને કારણે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અશોકભાઇનો મૃતદેહ બાથરૂમમાંથી મળ્યો હતો તો પ્રભાબેનનો મૃતદેહ બહાર હતો. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.

બનાવને લઇને આસપાસના ઘરોમાંથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.  ખાસ કરીને સોસાયટીના રહીશોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ બનાવને લઇ સ્થાનિક પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્નીએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યાની વાત સામે આવી રહી છે. હાલ પોલીસ પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી રહી છે. પોલીસે સ્થળ તપાસ કરી કોઇ સુસાઇડ નોટ છે કે નહીં તેની પણ શોધખોળ કરી હતી. ૬૦ વર્ષીય અશોકભાઇનો મૃતદેહ બાથરૂમમાં હતો. સ્થળ પરથી કાતર, દાતરડુ, દસ્તો, માચીસ પણ મળી આવ્યા હતા. આથી અન્ય રીતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

એસીપી એસ.આર. ટંડેલએ જણાવ્યું હતું કે, મરનારના ઘરની બાજુમાં તેના મમ્મી-પપ્પા રહે છે અને ભાઇ પણ રહે છે. ભાઇનું કહેવું છે કે આર્થિક સંકડામણ હોઇ શકે. પરિવારજનોના નિવેદનો લીધા છે. અશોકભાઇ છ ભાઇઓમાં મોટા હતા અને મૂળ રાજકોટના વતની હતાં. તેઓને સંતાન હતું નહીં અને ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમના ભાઇઓ, સ્વજનોના કહેવા મુજબ આર્થિક ભીંસથી કંટાળી જઇ આ પગલું ભર્યાની શક્યતા છે. આ સિવાય બીજી કોઇ તકલીફ નહોતી. આપઘાત કરનારના બીજા પાંચ ભાઇઓ તેમના પરિવાર સાથે રાજમોતી રેસિડેન્સીમાં જ આજુબાજુમાં રહે છે. દંપતીએ રાતે જ ખાંડણીમાં ઉંદર મારવાની દવા ખાંડી પી લીધી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.