ઓરી-પોલિયોની રસી બાદ જાડિયા શિશુના થયેલા મોત
દાહોદના કતવારા ગામમાં બનેલી ઘટનાથી ચકચાર
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ: દાહોદ તાલુકાના કતવારા ગામમાં ઓરી અને પોલીયોનો રસી પીવડાવ્યા બાદ તબિયત લથડતા એક મહિનાના જાડિયા બાળકોના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, બાળકોના પરિવાર પર તો જાણે આભ તૂટી પડયુ હોય તે પ્રકારે શોકનો માહોલ છવાઇ ગયો હતો. કતવારા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને, દાહોદના કતવારા ગામે રસી પીવડાવવામાં બેદરકારીની આશંકા સેવાઇ રહી હોઇ પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદ તાલુકાના કતવારા ગામમાં રહેતા રાકેશભાઇ કટારાની પત્નીએ ૪૦ દિવસ પહેલા જાડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમના નામ મયંક અને અર્પિત રાખવામાં આવ્યા હતા. બંને બાળકોને ગત તા.૪ માર્ચના રોજ ઓરી અને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. ત્યારબાદ બંને બાળકોની તબિયત લથડી હતી. રાત્રે બાળકોએ સ્તનપાન પણ કર્યું ન હતું.
જેથી બંને બાળકોને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જઇ લવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તા.૬ માર્ચના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મયંક નામના બાળકનું તા.૬ માર્ચે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારે તેના મૃતદેહને દાટી દીધો હતો. બીજા બાળક અર્પિતનું ગઇકાલે મંગળવારે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બાળકનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ બાળકના મોતનું સાચુ કારણ જાણી શકાશે. દાહોદ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક બાળકોના પિતા રાકેશભાઇ કટારા અમદાવાદમાં છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કતવારા પોલીસ સ્ટેશનના એએસઆઇ ગણપતસિંહે જણાવ્યું હતું કે, બંને બાળકોના મોત બાદ અમે તપાસ હાથ ધરી છે. અમે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કાર્યવાહી કરીશું.