કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરે તેવી દહેશતથી મોવડી મંડળ સતર્ક
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ છે જયારે અન્ય રાજયોમાં પણ રાજકીય ક્ષેત્રે મોટી ઉથલપાથલ સર્જાય તેવુ રાજકીય નિષ્ણાંતો માની રહયા છે આ પરિસ્થિતિમાં ભાજપે ગઈકાલે ગુજરાતની બે બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામો જાહેર કર્યા છે અને સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વધુ એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે બીજીબાજુ કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈ ધારાસભ્યો અને આગેવાનોના બે જૂથો સામ સામે આવી ગયા છે
જેના પરિણામે ઉમેદવારોની પસંદગી ગઈકાલ મોડી રાત સુધી થઈ શકી ન હતી અને આજે સવારથી ફરી એક વખત બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. બીજીબાજુ ગુજરાત કોંગ્રેસના નેતાઓ તથા મોવડી મંડળને કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરે તેવી શંકા છે જેના પગલે તમામ ધારાસભ્યો સાથે સતત સંપર્ક રાખવામાં આવી રહયો છે.
રાજયસભામાં બહુમતી હાંસલ કરવા માટે કેન્દ્રમાં સત્તાધારી એનડીએની સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે જેના પગલે કોંગ્રેસ તથા અન્ય પ્રાદેશિક પક્ષો પણ સક્રિય બન્યા છે આ દરમિયાનમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સત્તા હોવા છતાં પક્ષના કેટલાક ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા કોંગ્રેસને નુકશાન થવાનું છે જયારે ભાજપને ફાયદો થશે મધ્યપ્રદેશ બાદ હવે અન્ય રાજયોમાં પણ ભાજપે તેમનું ઓપરેશન લોટ્સ શરૂ કરી દીધું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જૂથબંધી વકરી ગઈ છે જેના પરિણામે અનેક વખત આગેવાનો વિરૂધ્ધ વિવિધ જૂથો દ્વારા રજુઆતો કરવામાં આવે છે તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના વિપક્ષના નેતા વિરૂધ્ધ સહી ઝુંબેશ કરવામાં આવી હતી આ ઉપરાંત અન્ય નેતાઓ વિરૂધ્ધ પણ આજ પરિસ્થિતિ સર્જાય છે
આ પરિસ્થિતિ વચ્ચે રાજયસભાની ચૂંટણી જાહેર થતાં જ પ્રદેશ કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી સપાટી પર આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા રાજયસભા માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા છેલ્લા કેટલાક દિવસથી શરૂ કરવામાં આવી છે પરંતુ જૂથબંધીના કારણે ઉમેદવારોની પસંદગી થઈ શકી નથી ગઈકાલે ધારાસભ્યો તથા આગેવાનો દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈ પોતપોતાના નામો રજુ કરવામાં આવ્યા હતા
જેના પગલે મોવડી મંડળ ચોંકી ઉઠયું છે એક તબકકે ગુજરાતના પ્રભારી સાંવતે ઉમેદવારોની પસંદગીનો નિર્ણય મોવડી મંડળ પર છોડી નારાજગી વ્યકત કરતા નેતાઓને ચીમકી આપી હતી જાકે પ્રભારીની ચીમકી છતાં ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈ ભારે ખેંચતાણ ચાલી રહી છે.
ગઈકાલે મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો પરંતુ સર્વ સંમતિથી ઉમેદવારોની પસંદગી થઈ શકી ન હતી જેના પરિણામે હવે કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે તેવી સંપૂર્ણ શકયતા છે. ભાજપે શરૂ કરેલા ઓપરેશન લોટ્સમાં મધ્યપ્રદેશમાં સફળતા મળી છે અને રાજસ્થાન તથા ગુજરાતમાં પણ આ ઓપરેશન કરવામાં આવનાર છે જેના પગલે રાજસ્થાન તથા ગુજરાતના કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું મનાઈ રહયું છે તેથી રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોમાં ક્રોસ વોટીંગ થવાની શકયતા છે. જેની સામે કોંગ્રેસનું મોવડી મંડળ સતર્ક બનેલું છે અને તમામ રાજયોના પ્રભારીઓ તથા સ્થાનિક નેતાઓને ધારાસભ્યો સાથે સતત સંપર્કમાં રહેવા આદેશ આપવામાં આવ્યો છે.