Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારે ૪ ટકા મોંઘવારી ભથ્થા વધારવાને લઇ મંજૂરી આપી

નવીદિલ્હી, કેન્દ્રીય કેબિનેટની આજે શુક્રવારે મળેલી બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.સંકટના સમયથી પસાર થઈ રહેલી યસ બેંકના રિસ્ટ્રક્ચરિંગ પ્લાનને મંજૂરી મળી ગઈ છે. સાથોસાથ, કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થાને થનારા નુકસાન વિશે પણ ચર્ચા થઈ છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સરકારે ૪ ટકા મોંઘવારી ભથ્થું વધારવાને મંજૂરી આપી દીધી છે.

કેબિનટે બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી રાહત આપતાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ, બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોનું ૪ ટકા મોંઘવારી ભથ્થું વધારી દીધું છે. ગત સપ્તાહે જ રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જાણકારી આપી હતી કે માર્ચ મહિનાના પગારની સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થું મળવા લાગશે.

કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જાણકારી આપી હતી કે માર્ચ મહિનાની સેલેરી સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થું મળશે. સરકારે ૩ કરોડ ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સની સેલેરી વધારવાનો ફોર્મ્યુલા બદલી નાખ્યો છે. હવે આ વર્કર્સની સેલેરી ૬ મહિના પર વધશે. આ માટે દર ૬ મહિને સીપીઆઇના આંકડા લેવામાં આવશે. સરકારે આ સાથે જ નવા બેઝયર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ફોર્મ્યુલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના કેલક્યુલેશનમાં લાગુ થશે. સરકારી કર્મચારીઓના ડીએ એક્સપર્ટ હરીશંકર તિવારીએ જણાવ્યું કે બેઝયર બદલવાથી ડીએનું કેલ્ક્યુરેશન નવી ઢબે થશે. પહેલા બેઝયર ૨૦૦૧ હતું અને હવે તેને વધારીને ૨૦૧૬ કરવાનો નિર્ણય લેવાયો છે.

મોંઘવારી ભથ્થું એક એવી રકમ છે જે દેશના સરકારી કર્મચારીઓના ખાણીપીણી રહેણી કરણીના સ્તરને સારું બનાવવા માટે અપાય છે. સમગ્ર દુનિયામાં ફક્ત ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને પાકિસ્તાન જ એવા દેશો છે જ્યાં સરકારી કર્મચારીઓને આ ભથ્થા મળે છે. આ રકમ એટલા માટે અપાય છે કારણ કે જેથી કરીને મોંઘવારી વધવા છતાં કર્મચારીઓની રહેણી કરણીના સ્તરમાં પૈસાના કારણે સમસ્યા ન થાય. આ રકમ સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને મળે છે. મોંઘવારી ભથ્થાના નિર્ણય ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ મંત્રાલયો (વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, કોમર્સ મંત્રાલય અને નાણા મંત્રાલય)ના જોઈન્ટ સેક્રેટરીને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના પર અપડેટ કે જાણકારી આપવાના નિર્દેશ આપ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.