સેવાલીયામાં મંજૂરી કે ભાડા વગર જ લગાવી દેવાયા જાહેરાતના ર્હોડિંગ્સ ??
(તસ્વીરઃ- મોહસીન વહોરા, સેવાલીયા)
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલીયા ખાતે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, સિવિલ કોર્ટ, નારી અદાલત જેવી મહત્વની સરકારી કચેરીઓ આવેલી છે. ત્યારે કેટલાક લોકો પોતાની સંસ્થા કે વેપારની જાહેરાતના ર્હોડિંગ્સ (બોર્ડ) પોતાના વ્યાપારના પ્રચાર-પ્રસાર માટે જાહેર સ્થળોએ મૂકે છે. ત્યારે સેવાલીયા ખાતેના મામલતદાર કચેરીની બહાર તેમજ ગોધરા – ડાકોર હાઇવે ઉપર આર એન્ડ બીની માલિકીની જગ્યામાં જાણે બંધ બારણે પરવાનગી આપવામાં આવી હોય તેમ ર્હોડિંગ્સ લગાવવામાં આવ્યા છે. અને સરકારને ભાડાલક્ષી આવકની સીધી ખોટ ખાવાનો વારો આવ્યો છે. આર એન્ડ બીની મંજૂરી વગર જ ખુલ્લેઆમ નિયમો નેવે મૂકી લગાવી દેવામાં આવ્યા છે. ઠેર-ઠેર ધધાકીય ર્હોડિંગસ લગાવી દેવાયા છે. થર્મલ ખાતે આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ, ના જાહેરાતના ર્હોડિંગ્સ સેવાલીયાની જાહેર જગ્યાઓએ લગાવવામાં આવ્યા છે.
આ બાબતે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ હાઇવે), ડાકોરના જીગર પટેલને ટેલીફોનિક વાત કરતા તેઓએ જણાવ્યુંકે જાહેરાત ર્હોડિંગ્સ લગાવનારા માટે નોટિસો ટાઈપ કરાવી છે. વહેલી તકે આપવામાં આવશે. બોર્ડ ઉપર ચોંટાડવામાં આવશે.
બીજી તરફ આ ર્હોડિંગ્સ લગાવવા માટે કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. કેટલાક લોકોએ લાકડાઓ ગોઠવી બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. ઝડપી પવન ફૂંકાય તો આ ર્હોડિંગ્સ કોઈ રાહદારી ઉપર પડે તો કોઈને પોતાનો જીવ ગુમાવવો પડે તેમ છે. હાઇવે રોડને અડીને આવેલા હોય આ ર્હોડિંગ્સ તૂટીને રોડ ઉપર પડે તો બીજી ઘણી મોટી જાનહાનિ થાય તેમ છે. અરજદારોને ખુલ્લેઆમ લૂંટતી આવી સંસ્થાઓ કાયદાને નેવે મૂકી સરકારને પણ ભાડું ના ચૂકવી વગર ભાડે માર્ગ અને મકાન વિભાગની જમીનનો ઉપયોગ પોતાની નામના કરવામાં વાપરતા હોય છે જેનો આ ખૂલ્લો નમૂનો છે.*