મહારાષ્ટ્રમાં કોરોનાને પગલે તમામ શાળા-કોલેજો ૩૧ માર્ચ સુધી બંધ
મુંબઇ, કોરોના વાયરસથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે રાજ્યના પાંચ શહેરોમાં કોરોનાવાયરસને રોગચાળો જાહેર કરી દીધો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ, નવી મુંબઈ, નાગપુર, પુણે અને પિંપરી ચીંચવાડનાં કોરોના વાયરસને રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે જેથી હવે આ શહેરોમાં બધા જ જીમ, સિનેમા હોલ, સ્વીમીંગ પૂલ શુક્રવાર રાતથી ૩૧ માર્ચ સુધી બંધ રહેશે.
ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી કે રાજયની શાળાઓને આગામી આદેશ સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ રાજ્યમાં લેવાઈ રહેલી એસએસસી પરીક્ષા રાબેતા મુજબ જ રહેશે. મહારાષ્ટ્ર પહેલાં કેરળ, દિલ્હી અને કર્ણાટકમાં પણ આવા જ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કર્ણાટકે પણ શુક્રવારે જ મોલ, સિનેમા હોલ, નાઈટ ક્લબ બંધ કરવાના આદેશ કર્યા હતા મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં ૧૭ કેસ નોંધાયા છે. જેમાં ૧૦ કેસ પુણેમાં છે. મુંબઈ અને નાગપુરમાં પણ કોરોના વાયરસનાં ૩-૩ કેસ નોંધાયા છે.
આ આગાઉ ઓરિસ્સા સરકારે કોરોના વાઈરસને આપત્તિ જાહેર કરી. સિનેમા ઘર, સ્વીમિંગ પુલ અને જિમ બંધ રહેશે. ૩૧ માર્ચ સુધી રાજ્યમાં તમામ શાળા કોલેજ બંધ રહેશે. વિધાનસભાની કાર્યવાહી ૨૯ માર્ચ સુધી સ્થગિત રહેશે.બિહાર સરકારે ૩૧ માર્ચ સુધી સ્કૂલ, કાલેજ અને સિનેમા હોલ બંધ કરવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ સરકારે પણ કોરોનાને મહામારી જાહેર કરી. અહીંયા ૩૧માર્ચ સુધી શાળા કોલેજ અને સિનેમા બંધ રહેશે. સ્પોટ્સ કાર્યક્રમ પણ રદ કરાયા છે. ઉત્તર પ્રદેશ સરાકરે કોરોના વાઈરસને મહામારી જાહેર કરી. ૨૨ માર્ચ સુધી તમામ શાળા-કોલેજો બંધ. યોગી આદિત્યનાથે કહ્યું કે જો પરીક્ષા ચાલી રહી છે તો શાળા બંધ નહીં થાય. અત્યાર સુધી યુપીમાં ૧૧ કેસ સામે આવી ચુક્યા છે.જમ્મુ-કાશ્મીરમાં સ્પોટ્ર્સ કાઉન્સિલે ૩૧ માર્ચ સુધી સ્પોટ્ર્સ એક્ટિવિટી બંધ કરાવી.કેરળ સરકારે વિધાનસભાની કાર્યવાહી ૮ એપ્રિલ સુધી સ્થગિત કરી. એડવાઈઝરી જાહેર કરી. ભારતનાં સ્વાસ્થ્ય પ્રધાનેએ દેશમાં કોરોના વાયરસનાં ૮૧ કેસની પુષ્ટિ કરી છે. કર્ણાટક રાજ્યમાં કોરોના વાયરસનાં કારણે પ્રથમ મોત થઈ છે.