Western Times News

Gujarati News

સરકારે એક્સાઇઝ ડ્‌યૂટી વધારીઃ પેટ્રોલ-ડીઝલ ત્રણ રૂપિયા સુધી મોંઘું થશે

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્‌યૂટી અને રોડ સેસ વધારવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરે ત્રણ રૂપિયાનો વધારો થશે. આઈઓસીની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૬૯.૮૭ પ્રતિ લીટર છે. એક્સાઇઝ ડ્‌યૂટી અને સેસ વધારવામાં આવ્યા બાદ કિંમતમાં ત્રણ રૂપિયાનો વધારો થશે. સરકાર તરફથી જાહેર નોટિફિકેશન પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચુ તેલ સસ્તુ થયું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્‌યૂટી (ઉત્પાદ દર)માં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે લીટરે એક રૂપિયો રોડ અને ઇન્ફ્રા સેસ લગાવવાની જાહેરાત કરી છે. સરકારે જાહેરનામું બહાર પાડીને આ જાણકારી આપી છે. આ નિર્ણય બાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટરે ત્રણ રૂપિયા જેટલો વધારો થઈ શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયને કારણે નબળા અર્થતંત્ર સામે લડી રહેલી સરકારને પૈસા એકઠા કરવા માટે મદદ મળશે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં આવેલા ઘટાડા બાદ આવું શક્ય બન્યું છે. જોકે, હવે એ જોવાનું રહ્યું કે ક્રૂડની કિંમતના ઘટાડાનો ગ્રાહકોને સામાન્ય ફાયદો આપતી કંપનીઓ ગ્રાહકો પર આ વધારાનો બોઝ નાખે છે કે નહીં.

એક લીટર પેટ્રોલની કિંમતમાં આશરે અડધા પૈસા ટેક્સ સ્વરૂપે સરકારની તિજોરીમાં જાય છે. જેમાં કેન્દ્ર સરકારની ૧૯.૯૮ રૂપિયા અને ડીઝલ પર ૧૫.૮૩ રૂપિયા પ્રતિ લીટર એક્સાઇડ ડ્‌યૂટી સામેલ છે. જે બાદ રાજ્ય સરકાર વેટના સ્વરૂપમાં છ ટકાથી ૩૯ ટકા સુધી કમાણી કરી છે.

ટેક્સમાં વધારો કરીને સરકાર પોતાની નાણાકીય સ્થિતિને મજબૂત કરે છે. ગત વખતે વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૬માં ક્રૂડ-ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો ત્યારે સરકારે તેનો લાભ ગ્રાહકોને આપવાને બદલે એક્સાઇઝ ડ્‌યૂટીના સ્વરૂપમાં પેટ્રોલ-ડીઝલના માધ્યમથી વધારે ટેક્સ વસૂલ કર્યો હતો.

નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ સુધી કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્‌યૂટીમાં નવ વખત વધારો કર્યો હતો, જ્યારે ફક્ત એક વખત રાહત આપી હતી. આવું કરીને વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૮-૧૯માં કેન્દ્ર સરકારે ઓઇલ પર ટેક્સના સ્વરૂપમાં ૧૦ લાખ કરોડની કમાણી કરી હતી.

આવી જ રીતે રાજ્યની સરકારો પણ વેટનો દર વધારીને પેટ્રોલ-ડીઝલ પર કમાણી કરે છે. ગત અઠવાડિયે કર્ણાટક સરકારે પેટ્રોલ પર ટેક્સ ૩૨ ટકાથી વધારે ૩૫ ટકા અને ડીઝલ પર ૨૧ ટકાથી વધારીને ૨૪ ટકા કરવાની જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.