Western Times News

Gujarati News

વિશ્વ ગુજરાતી સમાજના સી.કે.પટેલ સન્માનિત

અમદાવાદ, વિશ્વભરના ગુજરાતીઓની પ્રતિષ્ઠિત સેવા સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના નવા નિયુકત થયેલા પ્રમુખ સી.કે.પટેલને સન્માનિત કરવાનો બહુ મહત્વનો કાર્યક્રમ જૂના વાડજ સર્કલ ખાતે આવેલ રેડક્રોસ સોસાયટી સંકુલના હોલમાં યોજાયો હતો. જેમાં રાજયના સામાજિક, આર્થિક, રાજકીય અને શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રના મહાનુભાવો અને હસ્તીઓ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઠાકોર સમાજના અગ્રણી રોહિતજી ઠાકોર(ભામાશા), પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ સહિતના આગેવાનોએ ક્ષત્રિય સમાજની પારંપરિક રીતરિવાજ મુજબ, વિશ્વ ગુજરાતી સમાજના નવા પ્રમુખ સી.કે.પટેલને પાઘડી પહેરાવી તલવાર અર્પણ કરી ભવ્ય રીતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિદાય લઇ રહેલા પ્રમુખ અને છેલ્લા ૨૬ વર્ષ સુધી વિશ્વ ગુજરાતી સમાજમાં પ્રશંસનીય અને યાદગાર સેવાઓ આપનાર સંસ્થાના પૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ કૃષ્ણકાંત વખારીયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના અગ્રણી સુધીર રાવલે સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની પ્રતિષ્ઠાને અને માન-સન્માનને ઉજાગર કરતી વિશ્વ ગુજરાતી સમાજ સંસ્થાનો પરિચય આપી નવનિયુકત પ્રમુખ સી.કે.પટેલને અભિનંદન-શુભેચ્છા પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, સી.કે.પટેલની નિયુકિતથી વિશ્વ ગુજરાતી સમાજના સોનેરી સપના સાકાર થશે.  વૈશ્વિક ફલક પર માત્ર વિશ્વ ગુજરાતી સમાજ જ નહી પરંતુ ગુજરાત અને તમામ ગુજરાતીઓની વૈશ્વિક ઓળખ માટે સી.કે,પટેલ ખરા અર્થમાં સંકલ્પબધ્ધ છે.

વિશ્વ ગુજરાતી સમાજમાં છેલ્લા ૨૬ વર્ષ સુધી સતત અને બહુમૂલ્ય સેવાઓ આપનાર પૂર્વ પ્રમુખ કૃષ્ણકાંત વખારીયાના યોગદાન અને તેમના ભવ્ય ભૂતકાળને ભૂલી શકાય તેમ નથી કે તેનું વર્ણન પણ શકય નથી. તો, હવે નવા પ્રમુખ સી.કે.પટેલ નવા સંક્લ્પો અને નવા સપનાઓને સાકાર કરવા સંસ્થાનું સુકાન સંભાળી રહ્યા છે
તે તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ અને વિશ્વ ઉમિયા પાટીદાર પરિવારના પ્રમુખ એવા સી.કે.પટેલે ઉપÂસ્થત સૌ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો અને ગુજરાતને તેમ જ ગુજરાતીઓની સાથે સાથે વિશ્વ ગુજરાતી સમાજને વૈશ્વિક ફલક પર નવી ઉંચાઇઓ અને તમામ ગુજરાતીઓના સપનાને સાકાર કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

આ પ્રસંગે ઠાકોર સમાજના અગ્રણી રોહિતજી ઠાકોર(ભામાશા), પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ સહિતના આગેવાનોએ ક્ષત્રિય સમાજની પારંપરિક રીતરિવાજ મુજબ, વિશ્વ ગુજરાતી સમાજના નવા પ્રમુખ સી.કે.પટેલને પાઘડી પહેરાવી તલવાર અર્પણ કરી ભવ્ય રીતે સ્વાગત સન્માન કરાયુ ત્યારે સૌકોઇએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.