આજે કમલનાથ વિશ્વાસમત લેશે : તમામની નજર કેન્દ્રિત
નવી દિલ્હી: મધ્યપ્રદેશના રાજકારણમાં જારદાર રાજકીય ગરમી પ્રવર્તી રહી છે. મુખ્યમંત્રી કમલનાથને ફ્લોર ટેસ્ટ કરવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કમલનાથની આવતીકાલે કસોટી થનાર છે. મધ્યપ્રદેશમાં કઠોર નિયંત્રણો લાગૂ કરી દેવામાં આવ્યા છે. ગૃહમાં ઉપસ્થિત રહેવા માટે તમામ સભ્યોને સૂચના આપી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં જારદાર રાજકીય કટોકટી વચ્ચે આવતીકાલે મુખ્યમંત્રી કમલનાથ વિશ્વાસમત મેળવનાર છે.
રાજ્યપાલ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યપાલ તરફથી પત્ર આ સંદર્ભમાં અડધી રાત્રે જ મુખ્યમંત્રીને મોકલી દેવામાં આવ્યો હતો. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, બંધારણની કલમ ૧૭૪ અને ૧૭૫(૨) હેઠળ મધ્યપ્રદેશ વિધાનસભાનું સત્ર બોલાવવા તેઓ સૂચના જારી કરી રહ્યા છે. આવતીકાલે ૧૬મી માર્ચે સવારે ૧૧ વાગે તેમના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે.
ત્યારબાદ વિશ્વાસમત મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કોંગ્રેસ સરકાર જારદાર રાજકીય કટોકટીમાં મુકાઈ ગઈ છે. કારણ કે, જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે. તેમની સાથે રહેલા ૨૨ ધારાસભ્યો પણ બળવો કરીને તેમના રાજીનામા મોકલી ચુક્યા છે. તેમના પત્રમાં રાજ્યપાલે કહ્યું છે કે, તેમને એવું જાણવા મળ્યું છે કે, મધ્યપ્રદેશના અધ્યક્ષ તેમના રાજીનામા ૨૨ ધારાસભ્યો દ્વારા મોકલી દેવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી બોલાવવામાં આવી રહ્યું છે. રાજ્યપાલના આદેશ પહેલા જ સ્પીકર પ્રજાપતિએ છ પૂર્વ મંત્રીઓના રાજીનામા સ્વિકારી લીધા હતા. આ છ મંત્રીઓ બળવો કરનાર ૨૨ ધારાસભ્યોની સાથે રહેલા છે. આની સાથે જ ગૃહનું સંખ્યાબળ ઘટીને ૨૨૨ થઇ ગયું છે. જે લોકોના રાજીનામા સ્વિકારી લેવામાં આવ્યા છે તેમાં ઇમરતીદેવી, તુલસી સીલાવત, ગોવિંદસિંહરાજપૂત, મહેન્દ્રસિંહ સિસોદિયા, પ્રદ્યુમનસિંહ અને પ્રભુરામ ચૌધરીનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યો વિશ્વાસમતમાં અને આ મહિનામાં મોડેથી યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લેશે નહીં. સ્પીકર પ્રજાપતિએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે, તેઓએ આ તમામ સભ્યોને વ્યક્તિગત રીતે ઉપસ્થિત થવા માટે કહ્યું હતું પરંતુ શુક્રવાર અને શનિવારના દિવસે તેઓ ઉપÂસ્થત થયા ન હતા. તેમનું વર્તન મિડિયામાં આવી રહ્યું હતું.
૨૨ ધારાસભ્યોના બળવા પહેલા શાસકપક્ષનું સંખ્યાબળ ૧૨૦ હતું જેમાં કોંગ્રેસના સભ્યોનું સંખ્યાબળ ૧૧૪ હતું. બસપના સભ્યોનું સંખ્યાબળ બે અને સપાના એક તથા અપક્ષના ચાર ઉમેદવાર હતા. બાકીના ૧૬ ધારાસભ્યોના રાજીનામા સ્વિકારી લેવામાં આવશે તો કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને ૯૨ થઇ જશે. ભાજપ પાસે ૧૦૭ ધારાસભ્યો છે. ૨૩૦ સભ્યોની વિધાનસભામાં બે સીટ ખાલી રહેલી છે.