વિધાનસભા સત્રને ટૂંકાવવા ગુજરાત સરકારની સાફ ના
અમદાવાદ: કોરોના વાયરસના આતંક વચ્ચે ગુજરાત વિધાનસભાના સત્રને ટૂંકાવી નાંખવાની કોંગ્રેસની માંગને સરકારે આજે સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. બીજી બાજુ પાંચેય ધારાસભ્યોના રાજીનામા પર કોંગ્રેસ અને ભાજપના જુદા જુદા સુર રહ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાના ભય વચ્ચે વિધાનસભા સ્થગિત કરવાનો ઇન્કાર કરી દીધો છે. મધ્યપ્રદેશમાં વિધાનસભા સ્થગિત કરાઇ છે ત્યારે ગુજરાતમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષે કોરોના વાયરસના કારણે વિધાનસભા સત્ર સ્થગિત કરવાની માંગ કરી હતી. કોરોના ઇફેકટને લઇ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ટૂંકાવવાની કોંગ્રેસ પક્ષ તરફથી કરાયેલી માંગણી આજે રાજય સરકારે ધરાર ફગાવી દીધી હતી, જેને લઇ વિપક્ષ કોંગ્રેસે સરકાર પર ગંભીર પ્રહારો કર્યા હતા. વિધાનસભાનું સત્ર કોરોનાને કારણે મોકૂફ રાખવાની દરખાસ્ત કોંગ્રેસના દંડક શૈલેષ પરમારે ગૃહમાં રજૂ કરી છે.
કોંગ્રેસે તા.૨૯ માર્ચ સુધી સત્ર મુલતવી રાખવાની માંગણી કરી હતી. જેને સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું કે, કોરોનાની ગુજરાતમાં અસર નથી, પરંતુ અગમચેતીના ભાગરૂપે શાળા કોલેજ બંધ રાખવામાં આવી છે. તેમજ એરપોર્ટ પર ચકાસણી થાય છે, રવિવારે તાકીદની બેઠક બોલાવી દોઢ કલાકની ચર્ચા કર્યા બાદ તમામ પાસાની વિચારણા કરીને શાળા કોલેજ અંગે નિર્ણય કર્યો છે. વિધાનસભા સત્ર ટૂંકાવવામાં ના આવતા વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ બજેટ સત્ર ચાલુ છે, અત્યારે આપણું ગૃહમાં અગત્યનું કામ પણ બાકી છે. વિધાનસભા મુલાકાતીઓ માટે બંધ કર્યું છે. પરંતુ અમે બજેટની કામગીરી પૂર્ણ કરવા માંગીએ છીએ અને વિધાનસભામાં મોટો ધસારો થવાની શક્યતા નથી. જ્યારે પરેશ ધનાણીએ મુખ્યમંત્રી અને અધ્યક્ષને પણ પત્ર લખી ગૃહ મુલતવી રાખવાની માંગ કરી હતી.
તેમણે આ પત્રમાં કહ્યું કે ગુજરાતમાં મેળાવડા બંધ કર્યા છે. તકેદારી માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે ગૃહ પણ મુલતવી રાખવું જોઈએ, કોરોના કેટલાયને ભરખી જાય તેવી શક્યતા છે. આ મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કોરોનાની ચિંતા નિર્ણયો પણ કર્યા છે.
આપણે ડરીને ભાગવાની જરૂર નથી. પ્રજામાં ખોટો મેસેજ જશે. બજેટ સત્ર ચાલુ જ છે, કોરોનાથી આપણે ડરવાનું નથી. વિધાનસભા અધ્યક્ષએ આ અંગે નિર્ણય જાહેર કર્યો હતો કે, કોરોના અંગે રાજ્ય સરકારના નિર્ણયોની ચર્ચા કરી છે. ગૃહમાં વ્યવસ્થા કરવામાં આવી છે. બજેટનું કામ ચાલી રહ્યું છે, કામકાજ સમિતિ નક્કી કરે કે બજેટ પૂરું કરવું છે કે નહીં, સરકાર સાવચેતી રાખે છે, ચિંતા વ્યાજબી છે પણ બજેટ હોવાથી મુલતવી રાખી શકાય નહીં. આમ, સરકારે કોંગ્રેસની માંગ ધરાર ફગાવી દીધી હતી.