ગુજરાતમાં સાર્વત્રિક મેઘરાજાની મહેર
અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં શરૂ થયેલો વરસાદ : અરબી સમુદ્રમાં સિસ્ટમમાં ફેરફાર થતાં
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મોસમ ભીગી ભીગી ગુજરાતમાં સર્વત્ર વરસાદી માહોલ છવાઈ ગયો છે. ક્યાંક ધીમે ધારે તો ક્યાંક અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોમાં મેઘરાજાની પધરામણીથી ખુશી છવાઈ ગઈ છે. તથા સારા પાકની આશા રાખી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ર૪ કલાકમાં ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભોરથી અતિભારે વરસાદ વરસશે. જ્યારે મધ્ય ગુજરાત તથા કચ્છમાં મધ્યમ વરસાદ વરસશે તેમ સુત્રો દ્વારા જણાવાયુ છે.
શહેરમાં સવારથી જ વરસાદી વાતાવરણ જાવા મળે છે. શહેરના કેટલાક વિસ્તારો જેવા કે ચાંદખેડા, અમરાઈવાડી, હાટકેશ્વર, સીટીએમ, રખિયાલ વગેરે ઠેકાણે વરસાદના ઝાપટાં પડી રહ્યાના સમાચાર છે. હવામાન ખાતાની આગાહી મુજબ ર૪ કલાક શહેરમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જ્યારે અરબી સમુદ્રમાંસિસ્ટમમાં ફેરફાર થવાથી મુંબઈમાં અતિભારે વરસાદ પડશે તેમ જણાવ્યુ છે.
દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાને કારણે રાજ્યના જળડેમોની સપાટીમાં તથા નદીઓેના નીર વધી રહ્યા છે. આ લખાઈ રહ્યુ છે ત્યારે મુંબઈ શહેરમાં તથા પરા વિસ્તારમાં મેઘ તાંડવ શરૂ થઈ ગયુ છે. અનરાધાર વરસતા વરસાદે ઠેર ઠેર પાણી ભરાયાના તથા જનવ્યવહાર સ્થગિત થયાના સમાચાર મળી રહ્યા છે. બોરીવલી, અંધેરી, ગોરેગાંવ, વગેરે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હજુ ૪૮ કલાક ભારેથી અતિ ભારે વરસાદ વરસશે એમ સુત્રો જણાવી રહ્યા છે. ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનો અતિધીમી ગતિથી દોડી રહી છે.
સુરતમાં ગઈકાલે વરસેલા મુશળધાર વરસાદે સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અત્યારે પણ સુરતમાં વરસાદ ચાલુ જ છે. કામરેજમાં ૩ ઈંચ, વાંસદામાં ૪, વધઈ-૪ ઈંચ, બારડોલીમાં ર, ચોર્યાસી-ર , ચીખલીમાં પ ઈંચ, વલસાડ- નવસારીમાં વરસાદ હોવાના સમાચાર, તાપી જીલ્લા પર મેઘરાજાની મહેર થઈ છે.